world tourism day

વિશ્વ પ્રવાસ દિવસ – ૨૭ સપ્ટેમ્બર

vishv-pravasan-din

“ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી.
જોવી’તી કોતરોને જોવી’તી કંદરા,
રોતા ઝરણાની આંખ લહવી હતી.
સુના સરવરિયાની સોનેરી પાંખે
હંસોની હાર મારે ગણવી હતી,
દળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા..”
– ઉમાશંકર જોશી
એકની એક જીવન ઘટમાળમાંથી મુક્ત થઇ પ્રકૃતિની ગોદમાં ફરવાનો આનંદ કોને ન ગમે? માનવીને “હું” માંથી વિશ્વમાનવી બનાવવાની જબરદસ્ત તાકાત પ્રવાસમાં છે. પ્રવાસ દ્વારા અસ્મિતા સમજાય, રદ થાય, ઈતિહાસકાર ક.માં. મુનશી કહે છે “આપણે જન્મે ગુજરાતી છીએ, ગુજરાતી બોલીએ છીએ, સંસ્કાર ગુજરાતી છે.. એમ કહીએ અસ્મિતા આવતી નથી ! હું ગુજરાતી છું, હું હુંજ રહેવા માંગું છું, એમાજ વ્યક્તિની સુરેખ કલ્પના અને વ્યક્તિત્વને હસ્તીમાં રાખવાનો સંકલ્પ સમાયેલો છે.” આ સંકલ્પ સિદ્ધ કરવામાં પ્રવાસ જ ઉપયોગી સાધન છે.

5884528128_3da895cd02

રોજીન્દી ઘટમાળમાંથી મુક્ત થઇ થોડાક દિવસ માટે કોઈક હેતુ સાથે અન્ય સ્થળે ફરવા જવું તેને પ્રવાસ કહેવાય છે, પછી તે પ્રવાસ સાગરકાંઠાનો હોય, પ્રાકૃતિક સૌન્દર્યધામોનો હોય, તીર્થસ્થાનોનો હોય, અભયારણ્યનો હોય, અડાબીડ જંગલોનો હોય કે ઉચા ઉચા ગીરીશૃંગોનો હોય પરંતુ તે પુસ્તક, ઘર, શાળા, સમાજ દ્વારા મળેલા જ્ઞાનને પ્રત્યક્ષ શિક્ષણ દ્વારા વિકસાવવાની અનોખી તક પૂરી પાડે છે. ભારતનો સંસ્કૃતિક કલા વરસો, પવિત્ર તીર્થધામો, વિશાળ સાગરતટને લઈને વિશ્વભરના પ્રવાસીઓને અને સહેલાણીઓને માટે આકર્ષણ કેન્દ્રો બન્યા છે. તેથી જ એશિયાખંડના દેશોમાં જાપાન પછી સૌથી વધુ પ્રવાસીઓ ભારતમાં આવે છે. કેન્દ્ર સરકારે પણ વિદેશી પર્યટકોને આકર્ષવા ઘણીબધી પ્રોત્સાહક નીતિ અપનાવી છે. શિલ્પ સ્થાપત્યો કલા પ્રેમીઓ તથા પ્રાચીન સંસ્કૃતિના ચાહકો માટે પુરાતત્વીય મહત્વ ધરાવતા ગુજરાતમાં અનેક ઐતિહાસિક અને રક્ષિત સ્મારકોએ અનેરું આકર્ષણ જમાવ્યું છે. એટલુજ નહિ ગુજરાતના ગાઢ જંગલોમાં ઉભા કરાયેલ અભયારણ્યો અને ઉદ્યાનો પ્રાકૃતિક સૌન્દર્ય ચાહકોને આકર્ષી રહ્યા છે. પ્રવાસ દ્વારા જીવન જીવવાના અનુભવોનું ભાથું મળે છે તેમજ પરસ્પર સંસ્કૃતિનું આદાન-પ્રદાન કરી શકીએ છીએ.પ્રતિવર્ષ ૨૭ સપ્ટેમ્બરે ઉજવાતા વિશ્વ પ્રવાસન દિન નિમિતે ગુર્જરભૂમિ અને ભારતભૂમિ પ્રવાસન ક્ષેત્રે વિશ્વભરમાં ગૌરવપૂર્ણ શાન પ્રાપ્ત કરે તેવો સહિયારો પ્રયાસ કરીએ.

 

પ્રવાસ માત્ર ભૂમિ વિસ્તારમાં વિચારતો નથી, ઇતિહાસમાં પણ ઘૂમે છે. પ્રાચીન સ્થાપત્યોની રચના પાછલા અનેક સૈકાઓ સાથે સંધાન રચી દે છે. લોથલ સંસ્કૃતિ હજારો વર્ષો પહેલાના દરીયાખેડુંના જીવનમાં ડોકિયું કરાવે છે. દેશકાળમાં વહેતી પ્રજાની ચેતનધારા આજની ક્ષણે પોતાનામાં ઉછળી રહેતી હોવાની અનુભૂતિ કરાવે છે. વૃક્ષ જ્યાં ઉગ્યું ત્યાં ઉગ્યું ! માણસ હરે ફરે છે. પણ જેમ વૃક્ષ ને મુળિયા હોય છે, જેના દ્વારા રસકસ મેળવતું રહે છે, તેમ માણસ પણ સ્વભૂમિના વારસાગત જીવન સંસ્કારોના મુળિયા અંગે જાગૃત રહી, ચૈતન્ય પોષણ મેળવતા રહી, અભિવૃદ્ધ બની શકે છે.

 

“ઘણું જોયું જાણ્યું, તદપિ ઉરતૃષ્ણા નવ શમી,
ઘણું માણ્યું તોયે કંઈક અણમાણ્યું રહી ગયું”
આ પંક્તિમાં કવિ કહે છે કે માનવીની તૃષ્ણા સાધારણ રીતે અતૃપ્ત જ રહે છે.મનુષ્ય ગમે તેટલું સૌન્દર્ય જુએ, તે દેશ-પરદેશ ફરે, પર્વતો, નદીઓ, સરોવરો જુએ તો પણ તે જોતા એ ધરતો જ નથી.

 

medical-tourism

પ્રકૃતિ પ્રત્યે માનવીનું અનન્ય અને અદમ્ય આકર્ષણ આદમ અને ઈવ ના જમાનાથી ચાલ્યું આવે છે. આજના યંત્ર યુગમાં અનેક આદિ, વ્યાધી અને ઉપાધી વચ્ચે જીવતા માનવીના દિલ અને દિમાગને શાશ્વત શાંતિ આપનારું એક માત્ર સ્થળ પ્રકૃતિનો રમ્ય ખોળો છે. મુંબઈની ચોપાટી હોય કે વેરાવળના બંદર પર ઘૂઘવતા સાગરે, હરદ્વારની ‘હરકી પેડી’ પર વહેતી ગંગાએ, મથુરાના વિશ્રામ ઘાટ પર વહેતી યમુનાએ હજારો દર્શનાર્થીઓને ચિરંતન શાંતિ અને અનુપમ આનંદનો અનુભવ કરાવ્યો છે. તેથી જ સંસ્કૃતિના એક સુભાષિતમાં કહેવાયું છે “चरण वे मधु विन्दति” – ફરનારો મધ મેળવે છે.

Important-Tourist-holiday-Places-Attraction-in-India-in-India

ગુજરાતમાં ૨૦૦૬ન વર્ષને ‘પ્રવાસન વર્ષ’ તરીકે ઉજવવામાં આવેલું હતું. પ્રકૃતિની સૌન્દર્યલીલા તો અત્ર તત્ર સર્વત્ર વેરાયેલી છે; માનવી પાસે એ જોવા માણવાની દ્રષ્ટિ હોવી જોઈએ. શહેર હોય કે ગામડું, જંગલ હોય કે રણ, જળ હોય કે સ્થળ, નભ હોય કે ધરતી, સાગર તટ હોય કે સરિતા કિનારો પ્રાકૃતિક સૌન્દર્યના એ બધા પ્રાપ્તિસ્થાનો છે. આમાંથી ગમે તે સ્થળે જાવ તો તમને અંધારી રાત્રે ટમટમતા તારલીયાની અપૂર્વ તેજસ્વીતા, વહેલી સવારે ઉષાએ શણગારેલા સાથિયાની સપ્તરંગી ઓજસ્વીતા, સુર્યાસ્ત ટાણે સંધ્યારાણીએ ઓઢેલી નવરંગ ઓઢણીની અસ્મિતા અને અજવાળી રાતે અમૃત ઝરતી ચાંદનીની મહેકતાનો અનુભવ થશે. તેના આનંદનું મૂલ્ય તે સ્થળોના વર્ણન વાંચવાથી કે ઘરની બારીમાં બેઠા બેઠા ન આંકી શકાય ! તેથી જ સંસ્કૃત સુભાષિત “चरति चरतो भग” દ્વારા કહ્યું છે.
“બેઠેલાનું રહે બેસતું, ઉભાનું રહે ઉભું;
નસીબ સુતાનું સુએ, ચાલે ચાલતા સંગ”

જવાબ છોડો