VIDUR NITI GUJRATI SUVICHAR

સત્યની રક્ષા ધર્મથી થાય છે, વિદ્યાની રક્ષા અભ્યાસથી થાય છે, સૌન્દર્યની રક્ષા સફાઈથી થાય છે, અને કુળની રક્ષા ઉત્તમ આચરણથી થાય છે. માટે ધર્મના આચરણને ધારણ કરનારે હંમેશા સત્યનો જ પક્ષ લેવો જોઈએ. કોઈ લોભ, મોહ અથવા પ્રભુત્વની આશામાં અસત્યનો પક્ષ લેવો જોઈએ નહીં. અસત્યના પક્ષમાં ક્યારેય ધર્મની રક્ષા થઇ શકતી નથી.

 

મૃત્યુ બાદ શરીર અગ્નિમાં બળીને નષ્ટ થઇ જાય છે. પરંતુ તેના ધર્મ-અધર્મના સંસ્કાર બીજરૂપ બનીને તેની આત્મામાં એકાકાર બની જાય છે. આ જ સંસ્કાર સ્વર્ગમાં અથવા મૃત્યુલોકના બીજા જન્મમાં અંકુરે છે. અને માનવી એના અનુરૂપ જ ફળ ભોગવે છે. એટલા માટે દરેક માનવી માટે એ જરૂરી છે કે તે ધીમે ધીમે ધર્મના સંસ્કાર બીજોને ભેગા કરતો રહે, કારણ એ જ તેને આ લોક અને પરલોકમાં સુખ આપશે.

 

આ દુ:ખભર્યા વિશ્વમાં કેવળ ધર્મ જ કલ્યાણ કરનાર છે. જેવી રીતે ક્ષમા જ એકમાત્ર શાંતિનો ઉપાય છે, એક વિદ્યા જ બધા પ્રકારના સુખો આપનારી છે. અને એકમાત્ર અહિંસા જ સુખનો ભાવ આપનાર છે.

 

સંસારમાં ધન, યશ, પ્રભુતા, વ્યક્તિત્વ, સગા-સંબંધીઓ, પત્ની, અને પુત્રથી મનુષ્યનું કલ્યાણ નથી થતું. આ બધા કોઈને કોઈ આશાથી સંકળાયેલા હોય છે. અને જયારે તેઓ જાણી જાય છે કે તેમની આશાઓ પરિપૂર્ણ થશે નહીં ત્યારે તેઓ વ્યક્તિ સાથે ક્રુરતાપૂર્વક સંબંધ તોડી નાખે છે. એકમાત્ર ધર્મ જ એવો છે કે મૃત્યુ બાદ પણ માનવીનો સાથ નથી છોડતો, એટલા માટે સંસારમાં ધર્મનો જ માર્ગ અપનાવવો જોઈએ.

 

એક માત્ર ક્ષમા આપવાથી જ શાંતિ સ્થપાય છે. ક્રોધ અને વેરની ભાવના ક્યારેય હૃદયના અગ્નિને શાંત નથી કરી શકતા. કેવળ વિદ્યા જ મનુષ્યને સંતુષ્ટિ પ્રદાન કરે છે. બાકીની બધી જ જરૂરિયાતો માત્ર તૃષ્ણા જ જગાડે છે. આવી રીતે કેવળ અહિંસા જ મનુષ્યને સુખ આપે છે. માટે માનવીએ પોતાના જીવનમાં ધર્મ, ક્ષમા, વિદ્યા, અને અહિંસાને જ અપનાવવા જોઈએ.

 

સારા કર્મો કરવાથી ધન તેમજ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. એનો ચતુરાઈથી ઉપયોગ કરવાથી તેમાં વૃદ્ધિ થાય છે. ઉચિત સમયે કાર્ય કરતા રહેવાથી તેની જડો મજબૂત બને છે અને સંયમથી સ્થિર રહે છે.

 

કોઈ કાર્ય કરવાથી મને શો લાભ મળશે અથવા ન કરવાથી મને શું નુકશાન થશે, આ બધું સમજી વિચારીને જ માનવીએ પોતાના કાર્યનો નિર્ણય કરવો જોઈએ.

 

સમજ્યા – વિચાર્યા વિના એકાએક કોઈ કામ કરવું જોઈએ નહીં. એમાં લાભને બદલે હાનિ જ થાય છે. માનવીએ કોઈ પણ કાર્ય સમજી – વિચારીને લાભ – હાનિની ગણતરી કર્યાં બાદ જ કરવું જોઈએ.

 

જયારે કોઈ પણ ધ્યેયથી કાર્ય કરવાનું હોય ત્યારે ધૈર્યવાન માનવીએ તેના ફળ વિષે સારી રીતે વિચાર કરી લેવો જોઈએ કે તે આ કાર્ય કરે કે ન કરે.

 

છલ, કપટ, પ્રપંચ, અસત્યથી ભરેલા, જુગાર વગેરે કર્મો વડે પોતાના ઉદેશને સફળ બનાવવાનો પ્રયત્ન ન કરો. આ કાર્યો વડે જો સફળતા મળી જાય તો પણ એનું ફળ ખરાબ જ હોય છે, અને હૃદય હંમેશા દુ:ખી રહે છે. એનાથી વિપરીત જો સારા કર્મો કરવા છતાં ફળ ન પણ મળે તો પણ હૃદયમાં અજંપો નથી થતો, જોકે એવું બનતું નથી. કારણ કે સારા કર્મોના ફળ મળે છે મોડા, પરંતુ મળે છે અવશ્ય !

 

માનવીએ પોતાના ગુરુજનો પાસેથી જે કર્મો કરવાના છે તે સાંભળવા જોઈએ. અને ધીરજ, શાંતિ, સમાનતાના ભાવો તેમજ સત્ય ધર્મ વડે પોતાના અંર્તમનના અવિદ્યારૂપી અહંકારને દૂર કરી મિત્ર અને શત્રુ બધા સાથે સમાન વર્તાવ કરવો જોઈએ.

 

કયું કર્મ સારું છે અને કયું કર્મ ખરાબ છે એનો નિર્ણય શ્રેષ્ઠ વિદ્વાનોના વચનોથી કરવો જોઈએ. ધીરજ અને શાંતિથી તેના વચનો સાંભળી હૃદયમાં ફેલાયેલી અવિદ્યા અર્થાત અજ્ઞાનતારૂપી ગાંઠને ખોલીને જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. જયારે વાસ્તવિક સત્ય અને ધર્મનું જ્ઞાન થઇ જાય છે ત્યારે શત્રુ-મિત્ર, પોતાના-પારકાનો ભેદ નથી રહેતો.

 

જવાબ છોડો