VIDUR NITI GUJRATI SUVICHAR

કર્મફળની વૃદ્ધિની ગતિ ઘણી જ વિચિત્ર છે. તે પ્રકૃતિના ગુણમુજબ વધતું રહે છે. એક વ્યક્તિ પાપ કરે છે તો તેનું ફળ એના આશ્રિત જેટલા વ્યક્તિ હોય તેમને ભોગવવું પડે છે. અને તે પેઢીઓ સુધી પીછો નથી છોડતું. બીજા લોકો તો તેના અપ્રત્યક્ષ ફળ ભોગવે છે પરંતુ પાપ કરનારને તો પ્રત્યક્ષ ભોગવવું પડે છે. એનાથી છુટકારો મેળવવો શક્ય નથી. અનીતિથી પ્રાપ્ત થયેલ ઉપલબ્ધિનું ફળ ક્યારેય સારું નથી હોતું.

 

જે માનવી સુંદર સ્વાસ્થય ઈચ્છે છે તેણે એવા પદાર્થો ખાવા જોઈએ જે ચાવી શકાય કે નીગળી શકાય. નીગળ્યા બાદ પછી શકે અને ત્યારબાદ શરીરનું હિત કરી શકે. આવી રીતે જ જે સુખ ઈચ્છે છે તેણે એવા કર્મો કરવા જોઈએ જે કરવા યોગ્ય હોય, અને જે કર્યા બાદ ફળ આપે અને તેનું ફળ જીવનનું હિત કરનાર હોય.

 

લોકો કોઈપણ કાર્ય કરતી વખતે તેના ફળ વિશે વિચાર નથી કરતા. અને ક્ષણિક સુખના લોભમાં એવા કર્મો કરી બેસે છે જેનો અંત દુ:ખદાયી હોય છે. એની સ્થિતિ એવી અજ્ઞાન માછલી સમાન હોય છે. જે લોટની ગોળીને ઉત્તમ પદાર્થ જાણી નીગળી જાય છે પરંતુ તેમાં સંતાયેલા કાંટાને નથી જોઈ શકતી.

 

માનવી એમ સમજે છે કે તે છળ – કપટ અને પ્રપંચભર્યા કામો કરી ઈશ્વરની પૂજા, કલ્યાણકારી વચનો, અને નીતિશ્લોકોના માધ્યમથી પોતાનું કલ્યાણ કરી શકે છે, પરંતુ આવા કલ્યાણ તો વેદ પણ કરી શકતા નથી, જે સ્વયં પરમાત્માના વચનોનાં રૂપમાં માનવામાં આવે છે. જો આવા માનવીને કોઈ જ્ઞાન મળી પણ જાય તો તેના અંત સમયમાં એ જ્ઞાન એને એવી રીતે છોડી જાય છે જેવી રીતે પાંખો નીકળતા પક્ષીઓ માળો ત્યાગી દે છે.

 

આ સંસારમાં ત્યાગવાલાયક બુરા કર્મો જ છે. માનવીએ તેને ત્યાગવા જ જોઈએ. તે કર્મો આ છે _ દારૂ પીવો, અકારણ કલેશ કરવો અને ઈર્ષ્યાથી વશીભૂત બની લોકો સાથે લડાઈ – ઝઘડો કરવો, પોતાના કૂળ સમુદાય પ્રત્યે અસહિષ્ણુતાભાવ રાખીને તેનો વિરોધ કરવો, અહંકારથી વશીભૂત બની બીજો સાથે ધૃણા કરવી, પતિ – પત્નીમાં ફૂટ નાખવાનો પ્રયત્ન કરવો, સંબંધીઓને ખરું ખોટું કહેવું, રાજા સાથે શત્રુતા કરવી, સ્ત્રી પુરુષમાં વિવાદ કરાવવો, તેમજ દુષ્ટ માર્ગ અપનાવવો, આ બધા જ કર્મો હાનિકારક દર્શાવવામાં આવ્યા છે.

 

બીજાનું ઘર વગર વાંકે બાળનાર, કોઈને વિષ પાનાર, વ્યભિચાર અથવા અનાચારથી આજીવિકા ચલાવનાર, દારૂ વેચનાર, હથિયાર બનાવનાર, ચુગલખોર, જુઠ્ઠો જ્યોતિષી, મિત્રદ્રોહી, પરસ્ત્રીગામી, ગર્ભ પાડનાર, ગુરુ-પત્નીગામી, દારૂ પીનાર બ્રાહ્મણ, મહાક્રોધી, કટુવચન બોલનાર, નાસ્તિક, વેદ નિંદક, અસ્તરો લઇ ફરનાર, વેશ્યા, પાપકર્મ કરી પોતાની આજીવિકા ચલાવનાર, કોઈ શરણાગતને મારનાર_ આ બધ કર્મો બ્રહ્મહત્યા પાપ સમાન પાપકર્મો છે.

 

જે માનવી પાપકર્મ કરે છે તે એ પાપના ફળને જ પ્રાપ્ત કરે છે અને શ્રેષ્ઠ તથા પુણ્ય કર્મો કરનારો માનવી યશ અને પુણ્યફળ પ્રાપ્ત કરે છે, માટે જે ઉત્તમ માનવીઓ હોય છે તેઓ કદી પણ પાપકર્મ નથી કરતા કારણ કે વારંવાર પાપકર્મ કરવાથી બુદ્ધિ નષ્ટ થઇ જાય છે. અને બુદ્ધિ નષ્ટ થઇ જાય છે ત્યારે પાપકર્મ જ પ્રિય લાગવા માંડે છે. અને માનવી હંમેશને માટે પાપકર્મી બની જાય છે.

 

વારંવાર પુણ્યકર્મ કરવાથી માનવીનો વિવેક જાગૃત બની જાય છે. અને વિવેકશીલ માનવી શુભકર્મો તરફ જ પ્રવૃત્ત બને છે. પુણ્યકર્મ કરનાર આ જન્મમાં તો યશસ્વી બને જ છે, બીજા જન્મમાં પણ સંસ્કારવશ ઉત્તમ યોનિ પ્રાપ્ત કરે છે. એટલા માટે માનવીએ સહેજ પણ ખચકાયા વિના ઉત્તમ પુણ્યકર્મો કરવા જોઈએ.

 

જે વિદ્વાનો પ્રત્યે હિંસાભાવ રાખે, જે એમનાથી વેર રાખે, જે ખુદ ધન પ્રાપ્ત ન કરે અને બીજાના ધનને પ્રાપ્ત કરવાનો કે નષ્ટ કરવાનો પ્રયત્ન કરે તેને રાજ્ય સભામાં જવાનો અધિકારી બનાવવો જોઈએ નહિ.

 

જે માનવી અધર્મથી ધનની કમાણી કરે છે અને વિચારે છે કે તેને યજ્ઞ, દાન વગેરે ધાર્મિક કાર્યોમાં વાપરી તે અધર્મથી મુક્ત બની પરલોકમાં સુખ ભોગવશે તો એની એ માન્યતા ભ્રામક છે. અધર્મથી ભેગા કરેલા ધનથી ભૌતિક સુખો પ્રાપ્ત થાય છે પરંતુ એ સંસ્કાર નથી મળતા જે ચેતના અને આત્માની શુદ્ધિ કરી શકે. આ કારણે તેને યજ્ઞ, દાન વગેરે કર્મોનું ફળ પણ નથી મળતું.

 

જવાબ છોડો