VIDUR NITI GUJRATI SUVICHAR

અનુચિત કાર્ય કરવાથી, ઉચિત કર્મોને ત્યાગી દેવાથી અને સમયપુર્વે ગુપ્તમંત્રણાનું રહસ્ય ખુલી જવાથી, મનુષ્યે ભયભીત રહેવું જોઈએ, તેની સાથે સાથે નશો ઉત્પન્ન કરનારી વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહિ.

 

જે માનવી ખરાબ કર્મો કરનાર દુષ્ટોને ત્યાગવાને બદલે તેને અપનાવે છે તેને એના પાપકર્મોની સળગતી આગમાં એવી રીતે સળગવું પડે છે જેવી રીતે સુકા લાકડાઓ સાથે લીલા લાકડા પણ સળગી જાય છે.

 

જેમ જેમ મનુષ્ય શુભકર્મોમાં મન લગાવે છે તેમ તેમ તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થતી જાય છે. આ નિયમ પ્રત્યે શંકા રાખવી જોઈએ નહિ.

 

જે માનવી વિદ્વાનો તેમજ બુદ્ધિમાનો દ્વારા કહેવામાં આવેલા વચનો અનુસાર ફળનો વિચાર કરીને પોતાના કાર્યનો નિર્ધાર કરે છે તે ચિરકાળ સુધી સ્થાયી રહે છે.

 

વિદ્વાન કોણ છે, તે શું કહે છે અને તેનો ઉદેશ શું છે તેને ગંભીરતાથી જાણવું જોઈએ. વિદ્વાન એ છે જે નિષ્પક્ષ સત્યવકતા હોય, જે સૃષ્ટિના કલ્યાણ માટે વિચારે છે, જે અનાચાર વિરુદ્ધ સત્ય બોલવા, સાંભળવાનું સાહસ રાખતો હોય, જે કંઈ પણ સત્યને જાણતા પહેલા સ્વયંને ફરિયાદીના સ્થાને મૂકી વિચારે કરે છે, જે બધા પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખતો હોય, અને ન્યાયની વાત કહેવામાં પોતાના હિતને પણ જોતો ન હોય, બાકીના બધા પાંખડી અને ભ્રમના માર્યા હોય છે.

 

જેણે વિદ્વાનોના ઉપદેશો ઉપર વિચાર કર્યો નથી તે ભટકી જશે, દુ:ખ ભોગવશે, કારણ કે પતનનો માર્ગ ઘણો જ ચીકણો હોય છે, માનવી એકવાર લપસે તો પછી સાચવવું મુશ્કેલ બની જાય છે.

 

જે માનવી હંમેશા પોતાનામાં ગુણોની ખાણ અને બીજાઓમાં દોષો જુએ છે અને બીજાઓની નિંદા તેમજ પોતાની પ્રશંસામાં લીન રહે છે. તેઓ પોતાના મૃત્યુ અર્થાત વિનાશને સ્વયં આમંત્રણ આપે છે.

 

જયારે તમે પોતે નથી ઈચ્છતા કે લોકો તમારી થોડી પણ આલોચના કરે, તમે વ્યર્થમાં સત્યવકતા હોવાનો દાવો કરો છો, પરંતુ કોઈપણ એ સત્યને નથી સાંભળી શકતા જે તમારા અહંકારને સંતુષ્ટ નથી કરતો. તમે સત્યને, ન્યાયને, નિયમોને, સમાજને, બધાને પોતાની મહત્તા અનુસાર અનુકૂળ બનાવવા માંગો છો. પછી કેવી રીતે આશા રાખો છો કે કોઈ બીજાને તમારી નિંદા સાંભળી તમારા પ્રત્યે પ્રેમ ઉભરાઈ આવશે ? દિવસ – રાત તમારા મુખે તમારી જ પ્રશંસા કરતા જોઈ લોકો પીઠ પાછળ તમારી હાંસી ઉડાવશે, કટુવચનો સાંભળી સ્વજનો પણ દુશ્મન બની જશે. આ બધા વિનાશના વિસ્ફોટક તત્વો જ તો છે.

 

ઈર્ષ્યાથી ભરેલો, બીજાના આશ્રયે રહેનાર, અસંતોષી, ક્રોધી, હંમેશા બીજા પ્રત્યે શંકાશીલ રહેનારો, આ છ દુર્ગુણો વાળો માનવી હંમેશા દુ:ખી રહે છે.

 

વૃદ્ધત્વ રૂપને નષ્ટ કરી નાખે છે, નિરાશા ધીરજને ખાઈ જાય છે, મૃત્યુ પ્રાણોનું હરણ કરી લે છે, ઈર્ષ્યા ધર્મકર્મો ઉપર પાણી ફેરવી દે છે, ક્રોધ યશ અને સંપત્તિને નષ્ટ કરી દે છે, દુષ્ટ લોકોની સંગત ઉત્તમ ગુણોનો નાશ કરી નાખે છે, પરંતુ એક માત્ર અભિમાન બધા જ ગુણો ઉપર પાણી ફેરવી નાખે છે.

જવાબ છોડો