VIDUR NITI GUJRATI SUVICHAR

યજ્ઞ, દાન, અધ્યયન, અને તપ અ ચાર ગુણો સત્પુરુષો સાથે હંમેશા જોડાયેલા રહે છે, પરંતુ શક્તિ (પોતાના અવગુણોના દમનની શક્તિ), સત્ય, દયા અને સરળતા, શ્રેષ્ઠ પુરુષ પ્રયત્નો તથા મહેનતથી મેળવે છે.

 

ધર્મ માર્ગ આઠ પ્રકારના બતાવવામાં આવ્યા છે : ૧.યજ્ઞ ૨.અધ્યયન ૩.દાન ૪.તપ ૫.સત્યભાષણ ૬.ક્ષમા ૭.દયા ૮.લોભનો ત્યાગ. આમાંથી પ્રથમ ચાર તો પાખંડરૂપે દુર્જનો પણ અપનાવી લે છે પરંતુ બાકીના ચાર કેવળ સજ્જન પુરુષોમાં જ જોવા મળે છે.

 

જે માનવી સિદ્ધ પુરુષો (જ્ઞાનીઓ) થી જ્ઞાન પ્રાપ્ત કરી તેના અનુરૂપ આચરણ કરે છે તેજ બુદ્ધિમાન અને શ્રેષ્ઠ છે. તેજ આ સંસારમાં ધર્મ અને અર્થના શુભ ફળો પ્રાપ્ત કરે છે.

 

હે પુરુષશ્રેષ્ઠ ! યોગાભ્યાસમાં લીન સન્યાસી તથા યુધ્ધમાં પીઠ ન બતાવી શહીદ થયેલ યોદ્ધો પણ શ્રેષ્ઠ મનુષ્ય હોય છે કારણ કે એક સૂર્યમંડળને વેધી ઉર્ધ્વ ગતિથી મોક્ષ પ્રાપ્ત કરે છે. જયારે બીજો પોતાના ધર્મના માર્ગે કર્તવ્ય કરતો કરતો પોતાના પ્રાણ ન્યોછાવર કરી દે છે.

 

દૂરદર્શી બુદ્ધિ, ઊંચું કૂળ, હૃદય તથા ઇન્દ્રિયો ઉપર નિયંત્રણની ક્ષમતા, જ્ઞાન જિજ્ઞાસા, પરાક્રમ, મૃદુભાષિતા, દાનની પ્રવૃત્તિ તથા ઉપકારી પ્રત્યે કૃતજ્ઞતા, આ આઠ ગુણો શ્રેષ્ઠજનોની કીર્તિ ફેલાવનાર છે.

 

બુદ્ધિ, ઊંચું કૂળ, હૃદય તથા ઇન્દ્રિયો ઉપર નિયંત્રણની ક્ષમતા, જ્ઞાન જિજ્ઞાસા, પરાક્રમ, મૃદુભાષિતા, દાનની પ્રવૃત્તિ તથા કૃતજ્ઞતા આ ગુણોમાં જયારે સત્કારનો ગુણ પણ ભળી જાય છે ત્યારે બધા ગુણો ચળકી ઉઠે છે અને મનુષ્ય શ્રેષ્ઠ કહેવાય છે.

 

જે માનવી પાખંડ, મોહ, વેર, નિંદા, સમુદાય, અથવા સમૂહ સાથે વેર, મદમત્તતા, દંભની ઉન્મદ્ત્તા, દુર્જનો સાથે વાદ-વિવાદની પ્રવુત્તિ તથા રાજ્ય સાથે શત્રુતાને ત્યાગી દે છે તો શ્રેષ્ઠ માનવી ક્યારેય દુ:ખી નથી થતો.

 

જે પોતાના આશ્રિતોને તૃપ્ત કર્યા બાદ સ્વયં ભોજન, વસ્ત્ર, વગેરેનો ઉપયોગ કરે છે, જે ઘણું કામ કરીને પણ થોડું ઊંઘે છે, જે માંગવાથી શત્રુને પણ આપે છે, એવા શ્રેષ્ઠ માનવીઓની સહાયતા દેવતા કરે છે. એવા પુરુષોને કષ્ટ તથા સંકટો કદી નથી રંજાડતા.

 

જે બધાને સુખ પહોંચાડવાની ચિંતા કરે છે, જે બધાના સુખ માટે પ્રયત્નશીલ રહે છે, જે સત્ય બોલનારો છે, ભાવુક છે, બીજાને સન્માન આપનારો તથા પવિત્ર વિચારવાળો છે તે ઉત્તમ પુરુષ દુર્લભ મણી સમાન મૂલ્યવાન છે.

 

કોઈના દર્શાવ્યા પહેલા જે પોતાના અવગુણોને ઓળખી એના પ્રત્યે લજ્જિત બને છે મહાતેજસ્વી શુદ્ધ હૃદયવાળો, સ્થિરબુધ્ધિ અને સમસ્ત સમુદાયમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.

જવાબ છોડો