વિદુર નીતિ પાના નં.4

0
81
VIDUR NITI GUJRATI SUVICHAR

મનુષ્યને જે વ્યક્તિ પ્રિય છે અને તે એનો પરાજય થાય એવું નથી ઈચ્છતો એનું કર્તવ્ય એ છે કે તે એ વ્યક્તિને નિષ્પક્ષભાવથી હાનિપ્રદ કે કલ્યાણકારી વાતોને એકએક કરીને સ્પષ્ટરૂપે બતાવી દે. એને પ્રસન્ન કરવા માટે જુઠી અને અકલ્યાણકારી વાતો કરવી કોઈપણ દ્રષ્ટિથી ઉચિત નથી. અસત્યનો સહારો લઇ ક્યારેય કોઈનું કલ્યાણ કરી શકાતું નથી.

 

ઘણીવાર એવું બને છે કે મનુષ્ય પોતાના પુત્ર અથવા સ્વજનની પ્રસન્નતા માટે તે જેવું ઈચ્છે છે તેવું કરી નાખે છે. આવી રીતે તે એને સત્યથી દૂર કરી દે છે. અને તે ખરાબ કર્મોમાં પણ પ્રસન્નતા પ્રાપ્ત કરવા લાગી જાય છે. આવી રીતે તેનું કલ્યાણ નથી થતું. પરંતુ તે અપયશ અને વિનાશને નોતરે છે.

 

કોઈ બીજા દ્વારા પીડા મળવાથી કે રંજાડવાથી માનવી ઉત્તેજિત બની તેના જેવું જ આચરણ કરવા લાગી જાય છે, પરંતુ આ ઉચિત નથી. આવું કરવાથી તો એ પણ એની કક્ષાનો માનવી બની જશે. જો કોઈ આવું કરતો હોય તો ધીરજ સાથે તેને માફ કરી દેવો જોઈએ. કારણ કે આવી રીતે ક્રોધનું શમન કરવાથી એ ક્રોધ પીડા આપનારને જ બળીને ભસ્મ કરી નાખે છે. આવી રીતે ક્ષમા કરવાથી પીડા આપનાર વ્યક્તિનું પુણ્ય નસ્ટ થઇ જાય છે.

 

જો કોઈ વિચારશીલ માનવી અથવા જેનામાં થોડી પણ માનવતા હોય, કોઈ વિશેષ પરિસ્થિતિમાં ક્રોધે ભરાઈ પીડા પહોંચાડે અથવા કોઈ હાનિ કરે તો તેને ક્ષમા કરી દેવો જોઈએ. પરંતુ જો પીડા પહોંચાડનાર નર્યો પશુ જેવો હોય અને વારંવાર પીડા આપતો હોય કે રંજાડતો હોય, સમજાવવા છતાં ન માનતો હોય તો તેને અવશ્ય દંડ આપવો જોઈએ.

 

વારંવાર પીડા આપનાર કે હાનિ પહોંચાડનાર વ્યક્તિને દંડ આપવા માટે જો બળ ન હોય તો બુદ્ધિથી તેને નાથવો જોઈએ. નહિંતર આવો માનવી તમારી ક્ષમાશીલતાને કાયરતા જાણશે અને વારંવાર જુદા જુદા બહાને તમને રંજાડતો રહેશે. એટલું જ નહિ તમારી ક્ષમાશીલતાને તે પોતાનું પરાક્રમ ગણી બીજાઓને પણ રંજાડવાનું શરુ કરી દેશે. માટે ક્ષમાદાન પણ પાત્ર જોઇને જ કરવું જોઈએ.

 

માનવીએ પોતાના અહંકારમાં ચકચૂર બની બીજાને અપમાનિત કરવાની તથા તેને ખરું ખોટું કહેવાની આદત છોડી દેવી જોઈએ. રૂક્ષ, કઠોર, અપમાનિત કરવાવાળા તેમજ બીજાના અંતરાત્માને કષ્ટ પહોંચાડનાર વચનો એટલા માટે અમૃત નથી બની શકતા કે તે સત્ય અથવા જુઠા છે. એવા વચનો સત્ય હોય તો પણ કોઈનું કલ્યાણ નથી કરતા. એવા વચનો બોલનાર પ્રત્યે ધૃણા અને ઉપેક્ષા તો ઉત્પન્ન કરે જ છે, સાથે સાથે સાંભળનારને પણ ક્ષુબ્ધ બનાવી દે છે.

 

જો આવા અપમાનિત કરવાવાળા વચનો કલ્યાણની કામનાથી બોલવામાં આવ્યા હોય તો પણ સાંભળનારનું કશું કલ્યાણ થતું નથી. એની બધી માનસિક શક્તિઓ તેનાથી પેદા થતી પીડા દબાવવામાં જ સમાપ્ત થઇ જાય છે.

 

અગ્નિહોમ, મૌનવ્રત, અધ્યયન તેમજ પરિણામયુક્ત યજ્ઞ આ ચાર કર્મો મનુષ્યની આત્મીય શક્તિને વિકસિત કરીને તેને અભય પ્રદાન કરે છે. પરંતુ જયારે તેને દંભના પ્રદર્શન માટે, શાસ્ત્રોમાં નિર્મિત અર્થને જાણ્યા – સમજ્યા વિના પાખંડરૂપ ભાવમાં કરવામાં આવે છે. ત્યારે એ માત્ર ભય જ પ્રદાન કરે છે, એનાથી કોઈપણ પ્રકારનું કલ્યાણ નથી થતું .

 

લોકો યજ્ઞ, પૂજા, મૌન, દાન, સેવા વગેરે સારા કર્મો કરે છે અને એવું વિચારે છે કે તેઓ બીજાથી વિશિષ્ટ છે અને બધા તેને આ માટે માન આપે. યાદ રાખો અ બધ કર્મ ભૌતિક ક્રિયાઓમાં ભલાઈના ગુણ નથી રાખતા પરંતુ તેમના ગુણ તો તેમના ભાવથી પ્રભાવિત હોય છે.

 

તમે કોઈ બીમારની સેવા કરી રહ્યા છો, પરંતુ હૃદયમાં સેવાભાવ નથી, તમે દાનમાં વિપુલ સામગ્રી વહેંચી રહ્યા છો પરંતુ હૃદયમાં પોતાની સંપત્તિ તેમજ દાનવીરતાના પ્રદર્શનના ભાવો છે, તમે આ યજ્ઞ કરી રહ્યા છો પરંતુ આ યજ્ઞ પ્રત્યે સમર્પિત ન બનીને પોતાની વિશિષ્ટતા વિષે ચિંતિત છો તો નિશ્ચિત રીતે જ તમારું બધું કરેલું નકામું છે. એનાથી લાભને બદલે માત્ર હાનિ જ થશે.

 

ફક્ત દેખાવ માટે જ દાન, પૂજા, યજ્ઞ કે સેવા કરવાથી સમાજમાં તમારી પ્રતિસ્પર્ધા કરનારા શત્રુઓ પેદા થશે, અનેક લોકો તમારા દોષોને મીઠું-મરચું ભભરાવી ઈર્ષ્યાવશ સમાજમાં ઉછાળશે અને છેવટે તમને ભય જ પ્રાપ્ત થશે. ભાવ સારો છે તો આવા વ્યક્તિઓને સમાજ ઓળખી લેશે. તે તમારું કશું બગાડી શકશે નહિ, બલકે તમારી પ્રશંસા કરશે.

 

જવાબ છોડો