VIDUR NITI GUJRATI SUVICHAR

જે માનવી ક્રોધ, પ્રસન્નતા, અહંકાર, લજ્જા, બેશરમી વગેરે દોષોથી દૂર છે અને એના કારણે પોતાના કર્તવ્યયોગ્ય કર્મોને નથી ત્યાગતો તે જ પંડિત છે.

 

જે માનવીની યોજનાઓ વિધ્નો તથા બાધાઓને કારણે અટકતી નથી, ભય તેમજ પ્રેમના કારણે સત્યનો પક્ષ નથી છોડતો, જે ધનવાન અથવા દરિદ્ર બનવા છતાં એકસમાન કાર્યરત રહે છે તેજ પંડિત છે.

 

પોતાના સામર્થ્યને ઓળખીને જ યોજના બનાવવી અને યોજના બનાવ્યા બાદ પીછેહઠ ન કરવી અને તેને પૂર્ણ કરવા લગન સાથે પરિશ્રમ કરવો જ પાંડિત્ય છે.

 

જેનું કથન બુદ્ધિનું અનુસરણ કરવાવાળું છે અર્થાત જેના દ્વારા કહેલી વાતો બુદ્ધિમત્તાપૂર્ણ અથવા તો બુદ્ધિથી પારખવા જેવી હોય, જેનું કથન શાસ્ત્રોના સત્ય અનુસાર હોય, જે જ્ઞાની, શ્રેષ્ઠ, બુદ્ધિમાનો તથા ધર્મની મર્યાદા તોડનાર ન હોય તેજ જ્ઞાની, બુદ્ધિમાન છે.

 

જે માનવી ધન, વ્યક્તિત્વ, વિદ્યા, પદ વગેરે પ્રાપ્ત કરીને પણ સંયમિત રહે છે અને ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન નથી કરતો તે જ પંડિત છે.

 

જે માનવી પોતાના ઉચિત ઉદ્દેશને સિદ્ધ કરવામાં લાગેલો હોય અને વિશિષ્ટ વ્યક્તિઓ (સ્વજનો, સંબંધીઓ) પ્રત્યે આસક્તિ કે મોહ નથી રાખતો (એને એવો વિશિષ્ટ માનવી પણ સમજી શકાય જે ધન, પ્રભુત્વ, જ્ઞાન વગેરેની વિશિષ્ટતા માટે પોતાની સ્તુતિ કરાવવા માંગતો હોય) તે જ બુદ્ધિમાન છે કારણ કે આસક્તિ ગમે તેના પ્રત્યે હોય, તે જાતિ તેમજ ધર્મના માર્ગથી વિચલિત કરી દે છે.

 

બુદ્ધિમાન માનવી એકાએક આવેશમાં આવી ધર્મ, અર્થ, અને કામ વિષયક કાર્યની શરૂઆત નથી કરતો. એ સૌ પ્રથમ કાર્યના સારા-નરસા ફળ વિશે વિચાર કરે છે, એ કાર્ય માટે જરૂરી સાધનો તેમજ પરિશ્રમ વગેરેનું આયોજન કરે છે પછી પોતાના સામર્થ્ય સાથે એની તુલના કરે છે. ત્યારબાદ તે કાર્ય કરવા માટેની લગન સાથે એમાં લાગી જાય છે.

 

બુદ્ધિમાન માનવીને પૂછતાં તે સત્ય જ બોલે છે. પરંતુ તે વ્યર્થના સત્યવકતા બનીને પોતાની બુદ્ધિમત્તાથી કોઈને પણ પ્રભાવિત કરવાનો પ્રયત્ન નથી કરતો. એવો માનવી અલ્પ લાભ માટે, ક્લેષ નથી કરતો. અને કયાંક અનાદર થવાથી ક્રોધ પણ નથી કરતો બલકે ત્યાં જતો જ નથી.

 

જે બુદ્ધિમાન હોય છે તે ભૂતકાળના કાદવને ઉલેચી વહી ગયેલા વેરભાવને આગળ નથી વધારતો, તે ન તો અહંકારી હોય છે, કે ન તો હીનભાવનાનો શિકાર હોય છે. સંકટ સમયે કોઈપણ અધર્મ ન કરી ધૈર્ય સાથે તેનો મુકાબલો કરે છે.

 

બુદ્ધિમાનો ક્યારેય પણ કોઈ બીજાની નિંદા નથી કરતા, ભલે એનામાં અનેક દોષો હોય. તેઓ કારણ હોવા છતાં ક્રોધ નથી કરતા. કારણ કે તેઓ જાણે છે કે ક્રોધ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી, એ બનેલા કામને બગાડનારૂ, મિત્રને શત્રુ અને સ્વજનોને વિરોધી બનાવનારું હોય છે.

 

બુદ્ધિમાન મનુષ્ય નિર્બળ જાણી કોઈને પણ રંજાડતા નથી, અસમર્થો ઉપર પોતાના પ્રભુત્વનું પ્રદર્શન નથી કરતા તેમજ વ્યર્થની આત્મપ્રશંસા પણ નથી કરતા. એટલા માટે જ આવા વ્યક્તિની પ્રશંસા દરેક સ્થાને થાય છે.

જવાબ છોડો