VIDUR NITI GUJRATI SUVICHAR

જેનો આત્મા પાપકર્મ છોડી ચુક્યો છે. અને પુણ્ય કર્મોમાં લાગી ગયો છે. તેણે બધું જ જાણી લીધું છે એવું માનવું જોઈએ.

 

લોકો ધર્મ અને નીતિ ને જાણવા માંગે છે. પરંતુ તેઓ પોતાના કર્મો સુધારતા નથી. એવા લોકોનું જાણવું ન જાણવું એક સમાન હોય છે. જે પોતાને પાપકર્મોથી દૂર કરી પુણ્ય કર્મોમાં લીન કરી દે છે તેજ બધા ધર્મો તેમજ નીતિને જાણે છે એવું સમજવું જોઈએ.

 

જે કર્મને કરવાથી કોઈને હાની પહોંચતી હોય, જેના કરવાથી અહંકાર, પ્રમાદ, ક્ષુબ્ધતા, શંકા, ભય અને રોગ ઉત્પન્ન થતા હોય તે પાપ છે.

 

જે કર્મને કરવાથી મન, આત્મા પ્રસન્ન અને સંતુષ્ટ બને, કોઈને હાની ન પહોંચે, જેના લીધે પોતાની સાથે સાથે બીજાઓનું પણ કલ્યાણ થતું હોય, જેનાથી સંતોષ મળતો હોય અને જે પરમાર્થિક આનંદ આપતો હોય તે જ પુણ્ય છે.

 

જે ક્રોધ નથી કરતો, માટી, પત્થર, તથા સુવર્ણને એક સમાન ગણે છે, જે શોક નથી કરતો, જે મોહ, સ્નેહ, એન વેર રહિત છે, જેની ઉપર નિંદા કે પ્રસન્નતા સમાન પ્રભાવ નાખે છે, જે પ્રિય અને અપ્રિય બંનેનો ત્યાગ કરનારો છે, એવો પુરુષ જ વાસ્તવિક સંન્યાસી છે, તેને જ પુણ્યાત્મા માનવો જોઈએ.

 

જંગલી અન્ન, કંદમૂળ, શાક, અને ઇંગુદી જેવા ફળોથી નિર્વાહ કરનારો એ પુરુષ પણ પુણ્યાત્મા છે. જે વનમાં રહીને જગકલ્યાણ માટે ચિંતન તથા યજ્ઞ કરતો રહે છે. અને અતિથિઓને સન્માનપૂર્વક આદર આપી આતિથ્ય પ્રદાન કરે છે.

 

આ નાશવંત સંસારમાં કેવળ ધર્મ જ નિત્ય છે, અજર અમર છે. કારણ કે તે સંસ્કાર બનીને બીજરૂપે જીવાત્મામાં વ્યાપ્ત થઇ જાય છે. આ સંસારના સુખ દુખો તો આવવા જવાવાળા અનિત્ય ભાવ છે, જયારે જીવાત્મા નિત્ય છે. એનો નાશ નથી થતો, પરંતુ તેના બધા જ ભૌતિક સાધનો જેવા કે શરીર, તેમજ શરીરની બધી જ ઇન્દ્રિયો અનિત્ય છે. તમે અનિત્યનો ત્યાગ કરી ધર્મ રૂપી નિત્યમાં લુપ્ત બની સંતુષ્ટિ પ્રાપ્ત કરો, કારણ કે સંતોષમાં જ ખરું સુખ સમાયેલું છે.

 

જે માનવી ધર્મ, કામ, અર્થનું સમયાનુસાર સેવન કરે છે તે આ લોકમાં અને પરલોકમાં પણ એના સંયોગને પામે છે. વૈદિક સંસ્કૃતિમાં ગૃહસ્થોને ધર્મ, અર્થ, કામ, અને મોક્ષને પ્રાપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્યે આ બધાનું સેવન યથા સમયે આવશ્યકતા અનુસાર જ કરવું જોઈએ.

 

જે માનવી ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ આ ચારેયમાં સિદ્ધિ મેળવવા માંગતો હોય તેણે સૌ પ્રથમ ધર્મનો માર્ગ અપનાવવો જોઈએ. કારણ કે ધર્મથી જ અર્થની પ્રાપ્તિ થાય છે અને અર્થથી કામનાને પૂર્ણ શક્તિ પ્રાપ્ત થાય છે.

 

અધર્મ વડે યશ, પ્રભુત્વ, અને વ્યક્તિત્વની પ્રાપ્તિ નથી થતી. અને એના વગર કામનાની પૂર્તિ પણ નથી થતી. ધર્મ વિના તો મોક્ષ પ્રાપ્તિની કલ્પના પણ કરી શકાય નહિ. એટલા માટે સૌથી પહેલા ધર્મને જ અપનાવવો જોઈએ.

 

માનવીએ ભય, કામ, અને લોભથી વશીભૂત બનીને અથવા તો પ્રાણની રક્ષા માટે પણ પોતાના ધર્મનો પરિત્યાગ ક્યારેય કરવો જોઈએ નહીં.

 

જવાબ છોડો