spa treatment home remedies and scrubs
નિ:સંદેહ શહેરોમાં સારા ‘સ્પા સેન્ટરો’ ની કમી નથી, જ્યાં તમે તમારી સગવડતા પ્રમાણે કોઈ પણ સ્પા કરાવી શકો છો. પરંતુ કેટલીક વાર વ્યસ્તતાને લીધે તેના માટે સમય કાઢવો કઠીન થઇ જાય છે, તેથી તમે ઈચ્છો તો ઘરે જ સ્પા નો આનંદ લઇ શકો છો.

 

તેના માટે તમારે થોડી તૈયારી કરવી પડશે અને સ્ક્રબનો કેટલોક જરૂરી સામાન ખરીદવો પડશે, જોકે આ ખર્ચ સ્પા ટ્રીટમેન્ટમાં થતા ખર્ચની તુલનામાં ઘણો ઓછો છે.

 

સ્પા કરતી વખતે ઘરનું વાતાવરણ શાંત રહે અને કોઈ તમને ડીસ્ટર્બ કરવાવાળું ન હોય તેવું રાખવું.

 

મોબાઈલ અને લેંડલાઈન ફોન સ્વીચ ઓફ કરી દો.

 

બાથ ટબની આજુબાજુની જગ્યા સાફ હોય, અને ટબની આજુબાજુ સુગંધિત મીણબત્તીઓ લગાવો.

 

ટબમાં સ્ક્રબના પ્રમાણે ઠંડુ કે ગરમ પાણી નાખી તાજા ગુલાબની પાંખડીઓ નાંખો.

 

જાતે બનાવો સ્ક્રબ :-

તમે સ્નાન પહેલા નીચે આપેલા સ્ક્રબ તમારી જાતે જ બનાવી શકો છો. આ ઘરેલું સ્પા પણ ઘણા અસરકારક છે.

 

સૂકા મેવાનું સ્ક્રબ :-

પીસેલા બદામ અને અખરોટ સરખી માત્રામાં લો. અડધો લીટર દૂધ, અડધા કિલો તાજા ગુલાબની પાંખડીઓ (પીસેલી), 3 મોટી ચમચી ચંદન પાઉડર, 100 ગ્રામ ઘઉંનો લોટ, 100 ગ્રામ ચોખાનો લોટ, 100 મિ.લી. બદામનું તેલ, અને થોડું ચંદનનું તેલ લઇ બધી જ સામગ્રીને મિક્સ કરી દો.

 

આ મિશ્રણને લેપની જેમ આખા શરીર પર લગાવો અને 20 મિનિટ સુધી લગાવી રાખો. ત્યારબાદ ભીના કપડાથી સ્ક્રબને ઘસીને સાફ કરો, પછી ટબમાં સ્નાન કરી લો.

 

લીમડા – એલોવેરા સ્ક્રબ :-

6 મોટી ચમચી લીમડા પાઉડર, એલોવેરા જેલ, અને 1 / 4 કપ ક્લીન્ઝીંગ મિલ્ક લો. તેને મેળવીને થોડી ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો.

 

સૌથી પહેલા થોડા હુંફાળા પાણીથી સ્નાન કરો. પછી શરીરને હળવા હાથે લૂછી લો. શરીરના પ્રત્યેક ભાગમાં આ પેસ્ટ લગાવો, પછી કોમળ બ્રશની મદદથી આખા શરીરને મસાજ કરો. આ રીતે શરીરની બધી મૃત ત્વચા દૂર થશે અને ત્વચામાં નવી જાન આવશે.

 

ત્યારબાદ ઠંડા પાણીથી બાથ ટબ ભરો અને સ્નાન કરી લો. તેના પછી શરીર પર મોઈશ્ચરાઇઝર લગાવી કોમળ મુલાયમ ત્વચા મેળવો.

 

દાળ – ચોખા સ્ક્રબ :-

ચણાની દાળ, મસૂરની દાળ અને ચોખાને બરાબર માત્રામાં લઇ પીસી લો. આ મિશ્રણની એક ચમચી લઇ તેમાં અડધી ચમચી ગ્લિસરીન અને અડધી ચમચી ગુલાબજળ મેળવો.

 

આ મિશ્રણને આખા શરીર પર લગાવો. થોડું સુકાઈ જાય એટલે ત્વચા પર ગોળાકાર રીતે મસાજ કરી, મિશ્રણને દૂર કરો.

 

ત્યારબાદ હુંફાળા પાણીથી સ્નાન કરી, મોઈશ્ચરાઇઝર લગાવો.

 

પપૈયા – મધ સ્ક્રબ :-

એક નાનું પાકું પપૈયું, 50 ગ્રામ પીસેલા ચોખા, 50 ગ્રામ સી-સાલ્ટ, 50 ગ્રામ મધ, અને 100 મિ.લી. દૂધ કે દહીં લો. દૂધ કે દહીં ને છોડીને બાકી બધી સામગ્રી પપૈયા સાથે પીસી લો.

 

પહેલા હુંફાળા પાણીથી સ્નાન કરો, ત્યારબાદ આ લેપ આખા શરીર પર લગાવો. 15 – 20 મિનિટ સુધી લેપને સુકાવા દો. પછી દહીં કે દૂધ લઇ, ત્વચા પર ગોળાકાર મસાજ કરતા કરતા લેપને દૂર કરો.

 

જયારે બધો લેપ ઉતરી જાય ત્યારે ફરીથી હુંફાળા પાણીથી સ્નાન કરો. શરીર આછું લૂછીને, ભીના શરીર પર બોડી લોશન લગાવો. અને સ્પાનો આનંદ માણો.

 

પપૈયા – સંતરા સ્ક્રબ :-

એક ચમચી પીસેલું કાચું પપૈયું, અડધી ચમચી અધકચરી પીસેલી બદામ, અડધી ચમચી અધકચરી પીસેલી સંતરાની છાલ, અડધી ચમચી અધકચરો પીસેલો જવનો લોટ લો.

 

આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી દો અને આખા શરીર પર લગાવી દો. બોડી બ્રશની મદદથી મસાજ કરી, ત્વચાની મૃત કોશિકાઓ દૂર કરો. હાથને ગોળાકાર કરતા કરતા સ્ક્રબ કરો. તેનાથી રક્ત સંચાર વધે છે અને ત્વચા મુલાયમ બને છે.

 

મધ – ખસખસ સ્ક્રબ :-

અડધી ચમચી ચંદન પાઉડર, અડધી ચમચી ખસખસ પાઉડર, અને એક ચમચી મધ લો. તેને સારી રીતે મિક્સ કરી આખા શરીર પર લગાવો.

 

આ લેપથી ત્વચા સાફ સુથરી અને ચમકદાર બને છે, અને તેનાથી પોષણ પણ મળે છે.

 

જવાબ છોડો