ROSE RINGED PARAKEET
Rose-ringed-Parakeet-243x300
પોપટને ‘ સુડો ‘ પણ કહે છે. ઘણા એમ માને છે કે ગુલાબી કાંઠલો હોય તે પોપટ અને ન હોય તે સુડો. પણ એમ નથી. મૂળ વાત એ છે કે કાંઠલો છે તે નર અને કાંઠલો નથી તે માદા છે.
નર પોપટનો ઉપરનો રંગ લીલો, નીચેથી પીળાશ પડતો, માથાનો પાછલો ભાગ ને ગાલ વાદળી ઝાંઈવાળા, ગળાની બેય બાજુ ને ગરદન પર ગુલાબી કાંઠલો. આગળ કાંઠલો નથી, પણ ચાંચના મૂળ પાસેથી કાળી રેખા ને ગુલાબી રેખા ગુલાબી કાંઠલા સાથે ભળી જાય છે. અને ચાંચથી ગળા સુધીનો દાઢીનો ભાગ કાળો છે.
પૂંછડીના મુખ્ય વચલા પીંછા વાદળી છે ને બીજા લીલા છે. છેડે પીળા, નીચેથી પાંખ ગુલાબી કાંઠલા સાથે ભળી જાય છે ને ચાંચથી પૂંછડી બંને પીળા છે. પૂંછડી પાતળી, સીધી ને લાંબી છે. ચાંચ લાલ, ટૂંકી ને વળેલી છે. નીચેનું પાંખિયું કાળાશ પર. માદાના રંગ સહેજ ઝાંખા હોય છે.
બધા જ પોપટોની ચાંચ જડી ને ઊંડી હોય છે, ઉપલું પાંખિયું મિજાગરા પેઠે ઊંચું નીચું થઇ શકે તેવું હોય છે. પગના આંગળા બે આગળ અને બે પાછળ હોય છે. બીજા પંખીને ત્રણ આગળ અને એક પાછળ હોય છે.
જમીન પર એ બરાબર ચાલી શકતો નથી. પણ પગના આંગળાની ગોઠવણને કારણે આડી ઉભી કે ઉંધી ચડઉતર કરવામાં એને વાંધો આવતો નથી. એનો દેખાવ અને ઠસ્સો એવો છે કે એ કંઇક ઊંડું સમજતો હોય એવું લાગે છે. અને એ ઘણું શીખી પણ શકે છે. એક પગે બેસીને બીજે પગે ફળ કે મરચું પકડીને ખાતો હોય ત્યારે માણસજેવી સમજનો ખ્યાલ આવે છે. નાનકડી ટોપ ફોડે, નાની બાઈસીકલ કે ત્રણ પૈડાની ટ્રાઈસિકલ ચલાવી શકે, વગેરે પણ ઘણું કરે છે.
માળા ઝાડની બખોલોમાં કરે છે. કોઈ વાર ચાંચથી કોરી પણ કાઢે છે. ભીંતોમાં ગોખલા કે બીજે ખાડા મળી આવે તો ત્યાં પણ માળા કરે છે. ઈંડા ૩ થી ૬ મુકે છે. સાવ સફેદ. કશું પાથરતા નથી.
ખોરાકમાં ફાળો અને અનાજ. પોપટ એક જ એવું પંખી છે જે જીવાત ખાતું નથી. માત્ર અનાજના ડૂંડા ને ફળફળાદી તથા મરચી વગેરે ખાતો હોઈ ખેતીને નુકશાનકારક છે. પણ એ જ કારણે એને પાળી શકાય છે. એ માંડ થોડું બોલતા શીખે છે. જો કે માણસ જેવું બે જ પંખી બોલે છે. આફ્રિકાના રાખોડી પોપટ, જે મોટો હોય છે ને બીજી ભારતીય પહાડી મેના. એ બધાની જીભની રચના ચપટી પહોળી હોવાથી એમ બને છે. એક લાલ ખભાવાળો પોપટ આવો જ મોટો થાય છે એને રાજનબાનો પોપટ કહે છે.


rose_ringed_parakeet1-150x150 rose_ringed_parakeet2-150x150 rose_ringed_parakeet4-150x150

જવાબ છોડો