Raksha-Bandhan
( ખરેખર મનુષ્યો ઉત્સવપ્રિય હોય છે.) _ કાલિદાસની આ ઉકતિથી ભારતીયોની ઉત્સવપ્રિયતાનો ખ્યાલ આવે છે. આપણું રોજિંદુ જીવન એકવિધતાથી શુષ્ક બની જતું હોય છે. ત્યારે તહેવારોની ઉજવણી તેમાં નવો આનંદ અને ઉલ્લાસ લાવે છે. જેમ ચપટી મીઠું રસોઈને સ્વાદિષ્ટ બનાવે છે, તેમ તહેવારના થોડા દિવસો આખા વર્ષને ઉલ્લાસથી ભરી દે છે. તહેવારોના ચાર પ્રકારોમાં વિભાગ પાડી શકાય : ધાર્મિક, સામાજિક, રાષ્ટ્રીય અને ઋતુવિષયક. ભારતના લોકો આ બધા જ તહેવારો ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવે છે. આપણે આ ઉત્સવો ઉજવવા પાછળનું કારણ અને તથા ઈતિહાસ જોઈએ.
રક્ષાબંધન
વ્હાલી બ્હેની ! જનનિતનયા,
સ્નેહની વેલડી શી,
સ્વાર્થે ઘેર્યો જગઉદધીમાં મીઠડી વીરડી શી,
બ્હેની ! તારા વિમલ ઉરની આ શુભાશિષ માટે,
શું આપું હું ? સુભગ ભગિની ! તુચ્છ ત્રિલોક જ્યાં છે !
રક્ષાબંધનના પવિત્ર દિવસે પરદેશ વસેલા ભાઈને એની બહેન રાખડી મોકલે છે, ત્યારે કવિહૃદયી ભાઈ પોતાની બહેનને ચાર લીટીની આ કવિતા ધરે છે. બહેન સ્નેહની વેલડી જેવી છે. આ સ્વાર્થી જગતમાં બહેન નિ:સ્વાર્થ સ્નેહની મીઠી વીરડી સમાન છે. બહેનના નિર્મળ પ્રેમની તુલનામાં ભાઈ ત્રણેય લોકની તમામ સમૃદ્ધિને તુચ્છ ગણે છે !

raksha_b

શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર આપણે ઉજવીએ છીએ. આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધીને ઈશ્વર પાસે તેની રક્ષાની પ્રાર્થના કરે છે. ખરેખર, ભાઈ-બહેનનું હેત અસીમ હોય છે. ભાઈ-બહેન સુખ અને દુ:ખના અનેક પ્રસંગોમાં સહભાગી હોય છે. બાળપણમાં ભાઈ-બહેન અનેકવાર લડતા-ઝઘડતાં હોય છે. તેઓ રીસાતા હોય છે કે અબોલા લેતા હોય છે; છતાં તેમના અંતરમાં તો એકબીજા માટેનો અનન્ય સ્નેહ ધબકતો હોય છે. શૈશવનું સ્નેહભીનું રમતિયાળ સાહચર્ય તો ભાઈ કે બહેન જીવનભર ભૂલી શકતા નથી !

 

ભાઈ-બહેનના આ પવિત્ર સ્નેહને અનુલક્ષીને આપણા દેશમાં બે તહેવારો પ્રચલિત છે : ભાઈબીજ અને રક્ષાબંધન. ભાઈબીજને દિવસે ભાઈ બહેનને ત્યાં જમવા જાય છે. અને બહેનને પોતાની શક્તિ પ્રમાણે વીરપસલી ધરે છે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના શુભ ભવિષ્યની કામના કરે છે. અને હાથે રાખડી બાંધી બાંધી, ભાઈના સ્નેહસંબંધમાં પોતે સુરક્ષિત છે એવી શ્રદ્ધા વ્યક્ત કરે છે. કહેવાય છે કે _

 

” बांधे बहन, बंधे भाई, यह अमर स्नेह का नाता ।
बंधन से रक्षा रहती, रक्षा से बंधन आता ।”
પૌરાણિક કથા મુજબ દાનવો સાથેના યુધ્ધમાં પરાજિત થવાની આશંકાથી સહાયતા માંગવા માટે દેવો જયારે ઇન્દ્ર પાસે ગયા, ત્યારે ઇન્દ્રની પત્ની ઇન્દ્રાણીએ ઇન્દ્ર તથા દેવોને રાખડી બાંધી હતી. તેનાથી પ્રેરણા લઈને દેવો લડ્યા અને વિજયી બન્યા. મહાભારતના યુદ્ધ દરમિયાન ચક્રવ્યૂહ તરફ પ્રસ્થાન કરવાવાળા પૌત્ર અભિમન્યુના હાથમાં માતા કુંતાજીએ રાખડી બાંધી હતી.
કુન્તા અભિમન્યુને બાંધે અમર રાખડી રે,
દીકરા દુશ્મન ડરશે દેખી તારી રાખડી રે,
મારા બાલુડા હો બાળ, તારી કોણ લેશે સંભાળ…….કુન્તા અભિમન્યુને…….
ભારતના ઇતિહાસમાં મોગલ બાદશાહ હુમાયુ અને રાજપૂત રાણી કર્મવતીના રક્ષાબંધનનો પ્રસંગ ભાઈ-બહેનના પવિત્ર સંબંધ માટે પ્રખ્યાત છે. જયારે જગગુજરાતના બાદશાહે ચિત્તોડ પર ચડાઈ કરી ત્યારે મેવાડના રાણી કર્મવતીએ દિલ્લીના બાદશાહ હુમાયુને પોતાનો ધર્મ ભાઈ માનીને રાખડી મોકલી હતી. અને હુમાયુ જાતિ, દેશ, ધર્મના ભેદ ભૂલીને પોતે સંકટમાં હોવા છતાં કર્મવતીને બહેન માની તેની રક્ષા કરવા દોડી ગયો હતો ! કહેવાય છે કે _

 

” રાખડીના નાના-નાના બે દોરા જાની દુશ્મનોને પણ પ્રેમની જંજીરોથી જકડી દે છે.”

 

વામન સ્વરૂપમાં ભગવાને આ દિવસે બલિરાજાના ઘમંડને તોડ્યો હતો. તેથી ગુજરાતમાં તેને ‘ બળેવ ‘ નામથી પણ ઉજવાય છે. વરસાદના દિવસોમાં સમુદ્રમાં તોફાનો રહે છે. તેથી નૌકાયાત્રા વર્જ્ય છે. શ્રાવણી પૂર્ણિમાના આ દિવસે માછીમારો સાગરખેડું લોકો નાળિયેર વધેરી દરિયાની પૂજા કરે છે. અને આ દિવસથી સામુદ્રિક યાત્રા કરવી સુરક્ષિત મનાય છે. તેથી ગુજરાતમાં આ પર્વ ‘ નાળિયેરી પૂનમ ‘ કહેવાય છે.

 

વરસાદના દિવસોમાં ચાતુર્માસ કરવાવાળા ઋષિમુનિઓ આશ્રમમાં રહીને સાધના કરતા હતા, જેની પૂર્ણાહૂતિ શ્રાવણી પૂનમના દિવસે થતી હતી. ત્યારે તે લોકો રાજાના હાથમાં રક્ષાસૂત્ર બાંધતા હતા. અને રાજા તેની રક્ષા કરતા હતા. યુગ પરિવર્તનની સાથે આ ભાવના પણ બદલાતી ગઈ. મધ્યયુગમાં બહેન ભાઈના હાથમાં રાખડી બાંધવા લાગી અને ભાઈ પોતાના પ્રાણ સંકટમાં નાખીને પણ બહેનની રક્ષા કરવી તેને પોતાનું પવિત્ર કર્તવ્ય સમજવા લાગ્યા.

 

ભાઈ અને બહેનના ઉજ્જવળ પ્રેમનો સંદેશ આપતો આ રક્ષાબંધનનો તહેવાર આર્ય સંસ્કૃતિની અનુપમ દેન છે. ભાઈ-બહેનના હેત માટે આપણા લોકસાહિત્યમાં હૃદયને સ્પર્શી જાય એવા કેટલાયે ગીતો પણ સંગ્રહાયા છે. ખરેખર, ભાઈ-બહેનનું નિ:સ્વાર્થ હેત માનવહૃદયના સર્વ સ્નેહસંબંધોમાં આગવું અને અનન્ય સ્થાન ધરાવે છે !

 

ભારતીય ઉત્સવ – રક્ષાબંધન નો લેખ અહી સમાપ્ત થાય છે. આપનો અભિપ્રાય/પ્રતિભાવ ચોક્કસ જણાવો. આપ આ ઈમેઈલને ફોરવર્ડ પર કરી શકો છો જેથી અન્ય લોકોને પણ તેનો લાભ મળે.

 

જવાબ છોડો