KRUSHI VIDHYA
ભારતમાં પ્રાચીન સમયથી જ શિક્ષણનું મહત્વ વધારે છે. હાલના સમયમાં આપણે ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, સંસ્કૃત, શારીરિક વિજ્ઞાન જેવા વિષયો ભણીએ છીએ. આજથી હજારો વર્ષો પહેલા વૈદિકકાળમાં કેવી વિદ્યાઓ શીખવવામાં આવતી હતી તેની તમને ખબર છે ? વૈદિકકાળમાં આપણે ભણીએ છીએ તેવા વિષયો તો શીખવવામાં આવતા જ. સાથે સાથે જીવનોપયોગી વિદ્યાઓ જેવી કે કૃષિવિદ્યા, ધનુંર્વિદ્યા, નૌકાવિદ્યા, રસાયણવિદ્યા, ધાતુવિદ્યા, ખગોળવિદ્યા, વસ્ત્રવિદ્યા, યોગવિદ્યા, વાસ્તુશાસ્ત્ર વિદ્યા, તેમ જ રસોઈ માટે પાકવિદ્યા પણ શીખવવામાં આવતી, જેથી વિદ્યાર્થી પોતાની કુળની પરંપરા પ્રમાણે યોગ્ય વ્યવસાયમાં જોડાઈ શકે અને આર્થિક બાબતે સમૃદ્ધ થઇ શકે. તો ચાલો આ બધી વિદ્યામાં શું શું શીખવવામાં આવતું તેનો થોડો પરિચય મેળવી લઈએ.

 

 

કૃષિવિદ્યા :-

ઉદયપુરના કૃષિ વિશ્વવિદ્યાલયમાં એક વાક્ય લખ્યું છે _

 

” हल की नोक से खिंची रेखा मानव इतिहास में जंगलीपन
और सभ्यता के बीच की विभाजक रेखा है | “

 

તેનો અર્થ એવો થાય છે કે – ” જયારે માણસે ખેતી કરવાની શરૂઆત કરી ત્યારથી તેણે જંગલી મટી સુલભ્ય બનવા માટેની શરૂઆત કરી.”

 

વૈદિક કાળથી શરુ કરી આજ સુધી કૃષિ આપણો મુખ્ય વ્યવસાય રહ્યો છે. તેથી વેદકાળમાં જ બીજની વાવણી, ખેદ કરવી, કાપણી અને વિવિધ પ્રકારના ધાન્યોનું ઉત્પાદન વગેરે કૃષિ ક્રિયાઓ પૂર્ણ વિકસિત સ્વરૂપે હતી. યુરોપના વનસ્પતિ વિજ્ઞાનના તજજ્ઞ ‘રોમ્સબર્ગ’ ના મતે ‘ચક્રીય પદ્ધતિ દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવાની પદ્ધતિનું શ્રેય વૈદિક ખેડૂતોના ફાળે જાય છે.’ તેમ જ આ પદ્ધતિ પછીથી પશ્ચિમના દેશોએ અપનાવી છે.

 

કૃષિ વિશેની માહિતી નારદસ્મૃતિ, અગ્નિપુરાણ વગેરે ગ્રંથોમાંથી મળે જ છે. ‘કૃષિપરાશર’ ગ્રંથ તો સંપૂર્ણ કૃષિના સંદર્ભમાં જ લખાયેલો છે. તેમાં બીજની વાવણી, ખેદ કરવી, વિવિધ પ્રકારના પાક તેમજ કાપણી અંગે માહિતી મળે છે. તે ઉપરાંત પણ કેટલીક વિશેષ માહિતી ખેતીના સંદર્ભમાં મળે છે તે જાણીએ.

 

વરસાદ વિશે ભવિષ્યવાણી :-

પરાશરે જ્યોતિષ શાસ્ત્રીય ગણતરી પ્રમાણે ‘વર્ષાધિપતિ’ ને જાણવાની પદ્ધતિ આપી છે. જે તે વર્ષના વર્ષાધિપતિ અનુસાર વરસાદ આવશે કે નહિ તેની આગાહી કરવામાં આવતી.

 

તે માટે શક વર્ષને ત્રણથી ગુણી મળેલ જવાબમાં 2 ઉમેરી, સાત વડે ભાગતા જે ભાગફળ મળે તે અનુસાર વર્ષાધિપતિ નક્કી થાય. જે વર્ષમાં સૂર્ય અધિપતિ હોય તે વર્ષે ઓછો વરસાદ થાય. અને માણસોને ખૂબ દુ:ખ સહન કરવું પડે છે. જે વર્ષે ચંદ્ર અધિપતિ હોય તે વર્ષે ખૂબ વરસાદ થાય અને લોકો સ્વસ્થ રહે છે. તેમ જ બુધ, બૃહસ્પતિ, અને શુક્ર અધિપતિ હોય તો વર્ષ સારું જાય તેમ જ જે વર્ષે શનિ વર્ષાધિપતિ હોય તે વર્ષે દરેક જગ્યાએ સંકટો આવે છે.

 

બીજસંગ્રહ :-

વાવણી કરતા પહેલા બીજનો સંગ્રહ અત્યંત અગત્યની બાબત છે. ઉત્તમ બીજના સંગ્રહ માટે પરાશર ઋષિ ગાર્ગ્ય ઋષિનો મત પ્રગટ કરતા કહે છે કે – બીજને માઘ (જાન્યુઆરી -ફેબ્રુઆરી) કે ફાગણ (ફેબ્રુઆરી – માર્ચ) મહિનામાં સંગ્રહી તેણે તડકામાં સૂકવવા જોઈએ. પછી તે બીજને સ્વચ્છ અને સુરક્ષિત જગ્યાએ રાખી મુકવા જેથી ઉત્તમ બીજ તરીકે તે કામ આવે.

 

ઉપરોપણ (કલમ) :-

ઉપરોપણ એટલે શું તમને ખબર છે ? તેને કલમ કરવી પણ કહે છે. “એક જ છોડ પર બે અલગ અલગ પ્રકારના છોડ રોપવા.” એટલે કે એક ગુલાબના છોડ પર લાલ, પીળા, સફેદ, કાળા એમ વિવિધ પ્રકારના ગુલાબ ઉગાડી શકાય. ગુલાબના છોડનું તો ફક્ત ઉદાહરણ છે. અન્ય છોડ પર પણ આ ક્રિયા થઇ શકે છે. જેને આપણે ઉપરોપણ કહીએ છીએ. હવે આપણે મૂળ મુદ્દા પર આવીએ.

 

વૈદિક કાળમાં પણ આ ક્રિયા થતી. તેના વિશે વરાહમિહિર બૃહત સંહિતામાં ઉપરોપણની બે રીતો આપે છે :

  1. એક છોડને મૂળમાંથી કાપી, બીજા ઝાડને ડાળીથી કાપી બંનેને જોડવા.
  2. જ્યાં બંનેને જોડવામાં આવે ત્યાં માટી અને છાણથી તેમને બાંધી ઢાંકી દેવા.

     

તે ઉપરાંત કઈ ઋતુમાં ક્યાં પ્રકારના છોડની કલમ કરવી તેનો પણ ઉલ્લેખ મળે છે.

  1. શાખા વગરના છોડની કલમ શિશિર ઋતુમાં કરવી.
  2. વધુ શાખાવાળા છોડની કલમ હેમંત અને શરદ ઋતુમાં કરવી.

     

કલમ કરેલા છોડને કઈ ઋતુમાં કેટલું પાણી આપવું તે વિશે પણ માહિતી આપી છે. આ તો થઇ કલમની વાત. વૈદિક ગ્રંથોમાં વરસાદનું માપન તેમજ ભારતીય કૃષિ પદ્ધતિની વિવિધ રીતો પણ આપેલી છે.

 

ચાસ પાડી એક હારમાં વાવણી કરવાની પદ્ધતિ ભારતમાં વૈદિકકાળમાં શરુ થઇ હતી. આ જ પદ્ધતિ ઈ.સ. 1662 માં ઓસ્ટ્રેલીયામાં અને 1730 માં ઈંગ્લેન્ડમાં થઇ હતી. તે બાબતમાં ભારત વિશ્વગુરુ છે. તે વખતમાં આવી હારમાં વાવણી થઇ શકે તેવા ત્રણ હળ લંડન મોકલવામાં આવ્યા હતા, જેથી આ હળોની નકલ અંગ્રેજો કરી શકે.

 

તેથી આપણે કહી શકીએ કે પ્રાચીનકાળથી ભારતમાં કૃષિ એક વિજ્ઞાનના રૂપમાં વિકસિત થઇ છે. આજે હજારો વર્ષો પછી પણ આપણી જમીન ફળદ્રુપ રહી છે. જયારે થોડા જ વર્ષોમાં અમેરિકાની લાખો હેક્ટર જમીન બિનઉપજાઉ બની ગઈ છે.

 

જવાબ છોડો