Happy-Navratri
અર્થાત, ‘ લોકો ઉત્સવપ્રિય હોય છે.’ એમ કહીને મહાકવિ કાલિદાસે ભારતની ઉત્સવપ્રિય જનતાને બિરદાવી છે. ભારતમાં ઉજવાતા તહેવારોને કાકાસાહેબ કાલેલકરે ‘જીવતા તહેવારો’ કહ્યા છે. આમ, ઉત્સવો અને તહેવારો સાથે ભારતની પ્રજાનો જીવતો – જાગતો સંબંધ સદીઓથી બંધાયેલો છે. અપાર ચૈતન્ય, અવિરત ઉલ્લાસ અને અથાગ જીવનબળથી ઉભરાતા ભારતીય તહેવારો પાછળ કંઈ ને કંઈ સાંસ્કૃતિક, ધાર્મિક, સામાજિક કે રાજનૈતિક મહાત્મ્ય છુપાયેલું હોય છે. રોજિંદા એકધારા જીવનથી કંટાળી ગયેલા અને જીવનવ્યવહારની આંટીઘૂંટીમાં અટવાઈ ગયેલા માનવીને તહેવાર કે ઉત્સવની ઉજવણી દ્વારા પરિવર્તન, આનંદ, રાહત અને સુખચેનનો અનેરો લહાવો માણવા મળે છે. તેમાંયે દિવાળી, નવરાત્રિ જેવા તહેવારો તો ધાર્મિક અને સામાજિક એકતાથી ઉજવાય છે.
પ્રતિવર્ષ આપણા ગુજરાતમાં આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના નવ દિવસો ‘નવરાત્રિ’ મહોત્સવના નામે ઓળખાય છે અને ઉજવાય છે. જેમ બંગાળમાં ‘દુર્ગાપૂજા’ ના દિવસોનું ભારે મહત્વ છે તેમ ગુજરાતમાં ‘અંબા – બહુચરા – કાળકા’ જેવી મહા શક્તિશાળી દેવીઓની પૂજા – આરાધના અને યજ્ઞો ઉપરાંત રાતના મોડે સુધી રાસ – ગરબા ગાવાનું ઘણું માહાત્મ્ય છે. વળી, કોઈ કોઈ સ્થળે તો નવ ને બદલે દસમો દશેરાનો દિવસ અને પછી પંદરમો શરદપૂર્ણિમાનો દિવસ પણ આ મહોત્સવમાં વણી લેવામાં આવે છે.
oie_152026547S0RVUUi
” પ્રેમ ભરેલું હૈયું લઈને, તારે દ્વારે આવ્યો માં
તું જો મુજને તરછોડે તો, દુનિયામાં હું જાઉં ક્યાં….
જાણું ના હું પૂજા તારી, જાણું ના ભક્તિની રીત,
કાલી ઘેલી વાણીમાં હું, ગાતો માડી તારા ગીત,
બાળ બનીને ખોળે તારા, રમવાને હું આવ્યો માં
પ્રેમ ભરેલું હૈયું લઈને, તારે દ્વારે આવ્યો માં…..”
ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં શક્તિપૂજાનું અતિ – ઘણું મહત્વ પરાપૂર્વથી ચાલ્યું આવે છે. અંબા, બહુચરા, મહાકાળી, ભદ્રકાળી, જક્ષણી, ખોડિયાર, રન્નાદે, આશાપુરી, એવા અનેક નામે ગરબા ગવાય છે. પરંતુ એમાં પ્રધાનસૂર તો શક્તિપૂજાનો જ છે. માતાજીનું પૂજન અને તેની આરાધનાનું મહાપર્વ એટલે નવરાત્રિ. વિજ્ઞાનની દ્રષ્ટિએ જુઓ તો આ સમયગાળો પ્રાચીન કાળમાં ઉર્જા તત્વને સમજવાનો-આત્મસાત્ કરવાનો સમયગાળો છે. શક્તિ સૃષ્ટિની મહાઉર્જાને આપેલું નામ છે. ‘દેવિભાગવત’માં આ અવકાશીય ઉર્જા માટે ‘દુર્ગા’ એવો શબ્દ પ્રયોગ છે. નવરાત્રિના આ નવ દિવસોમાં ગામડે ગામડે પોતપોતાની કુળદેવીના મંદિરે ‘કુંભસ્થાપન’ કરી નવેય દિવસ એની પૂજા – આરતી થાય છે. અને પૂજામાં બેસનાર નવ દિવસના ઉપવાસ કરે છે. ક્યાંક ફરાળી ઉપવાસ થતા હોય છે તો ક્યાંક નકોરડા ! આઠમના દિવસે હવન થાય અને પછી નવ નૈવેદ્ય માતાજીને ધરાવીને પારણા કરવામાં આવે છે. નવરાત્રિ એક પ્રકૃતિની ઋતુનો કાળ છે. આ ઋતુ જીવ, પ્રાણી અને મનુષ્ય માટે કષ્ટદાયક હોય છે. આ દિવસો દરમિયાન જો આધ્યાત્મિક બીજ રોપવામાં આવે તો એ જ રીતનુ ફળ આપણને મળે છે.
નવરાત્રિ મહોત્સવનું આગવું મહત્વ રાતે જોવા મળે છે. હવે તો શહેરોમાં જ નહિ, ગામડાઓમાં પણ માંડવડી અને સમૂહગરબાના જંગી કાર્યક્રમો હાથ ધરાય છે. ભવ્ય રોશનીથી રાતને રંગીન બનાવી દેવામાં આવે છે, માઈક – લાઉડ સ્પીકર દ્વારા બુલંદ અવાજે સુરીલા કંઠમાંથી ગરબાની સુરાવલી પ્રસરે છે અને માત્ર સ્ત્રીઓ જ નહિ, પુરુષો પણ હાથમાં ડાંડિયા લઈને તાલબદ્ધ રીતે રાસ રમે છે ! સંગીતનો સાથ હોય, ઢોલત્રાંસાનો નાદ હોય, ગવડાવનારના કંઠમાં પ્રાણ હોય અને હજારો પ્રેક્ષકોના ટોળા આ દ્રશ્ય જોનાર હોય પછી ઝીલનારાને પોરસ ચડે એમાં શી નવાઈ?
” એક હરતું ને ફરતું મંદિર માં નો ગરબો,
મારી જનનીના હૈયાનું ગીત માં નો ગરબો.”
નવરાત્રિ આવે એટલે સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રધ્ધાના રંગમાં રંગાય જાય છે. ચારે તરફ એક અનોખો ભક્તિભાવ જોવા મળે છે. ઘટસ્થાપના, દેવી સ્તુતિ, મધુર ઘંટડીઓના રણકાર, દીવા-બત્તી- ધૂપની સુગંધ, આ નવ દિવસ સુધી ચાલતા આ સાધના ઉત્સવ નવરાત્રિનું જ એક ચિત્ર છે. આપણી સંસ્કૃતિમાં નવરાત્રિના તહેવારનું એક વિશેષ મહત્ત્વ છે.
નવરાત્રિમાં ઈશ્વર પ્રત્યેની ભક્તિ અને અઘ્યાત્મનો સંગમ થતો જોવા મળે છે. આસો મહિનામાં આવતી આ નવરાત્રિમાં નવ દિવસ ગરબા અને રાસ રચાય છે. આ ઉપરાંત રામલીલા, રામાયણ, ભાગવત પાઠ, જેવા ધાર્મિક અનુષ્ઠાનો થાય છે. અને તેથી જ તો નવરાત્રિ દરમિયાન દરેક વ્યકિત એક નવા ઉત્સાહ અને ઉમંગથી ભરેલો જોવા મળે છે.
navaratri.gif_480_480_0_64000_0_1_0
” પ્રેમ ભરેલું હૈયું લઈને, તારે દ્વારે આવ્યો માં
તું જો મુજને તરછોડે તો, દુનિયામાં હું જાઉં ક્યાં….
સંસારીના સુખડા કેરી, વાત વિસારી મેલી છે,
દીન દયાળી હે જગદંબા, એક હવે તું બેલી છે,
કંઈક જનમના પાપો મારા, ધોવાને હું આવ્યો માં
પ્રેમ ભરેલું હૈયું લઈને, તારે દ્વારે આવ્યો માં…… “
આમ તો નવરાત્રિ એક વર્ષમાં ચાર હોય છે. ચૈત્ર નવરાત્રિ વાસંતિક નવરાત્રિ, શારદીય નવરાત્રિ અને ધર્મગ્રંથો મુજબ મહા માસમાં ગુપ્ત નવરાત્રિ આવે છે. આ ચાર નવરાત્રિમાં શારદીય નવરાત્રિનું ભારતમાં વિશેષ મહત્વ છે. નવરાત્રિ એટલે માતા ભગવતીની આરાધનાનો શ્રેષ્ઠ સમય. આ પર્વ ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓનાં ગરિમામય સ્થાનને દર્શાવે છે. નવરાત્રિનો તહેવાર કુલ નવ દિવસનો હોય છે. આસો માસમાં આવતી શારદીય નવરાત્રિમાં નવ દિવસ આ નવ દિવસોમાં નવ દેવીઓનુ વિશેષ મહત્વ છે આવો જાણીએ માતાના નવ સ્વરૂપો.

 

આદિશક્તિ શ્રી દુર્ગાના નવ સ્વરૂપો :

navdurga

આદિશક્તિ શ્રી દુર્ગાનું પહેલું સ્વરૂપ શ્રી શૈલીપુત્રીનું છે. આ પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાથી તેને શૈલીપુત્રી કહેવામાં આવે છે. શૈલપુત્રીનું પૂજન કરવાથી સૌભાગ્ય પ્રાપ્તિ થાય છે,
આદિશક્તિ શ્રી દુર્ગાનું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે. તેમણે ભગવાન શંકરને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરી હતી. એટલા માટે તે તપશ્ચારિણી અને બ્રહ્મચારિણીના નામથી ઓળખાય છે. બ્રહ્મચારિણીનું પૂજન કરવાથી કાર્યમાં સફળતા મળે છે.
આદિશક્તિ દુર્ગાનું ત્રીજુ રૂપ એટલે શ્રી ચંદ્રઘંટા. આમના મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંન્દ્ર છે. એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. માતા ચંદ્રઘંટાનું પૂજન કરવાથી ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્ર્તિ થાય છે
આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે, કૂષ્માંડાનું પૂજન કરવાથી આકર્ષણ મળે છે.
આદિશક્તિ દુર્ગાનું પાંચમુ રૂપ એટલે શ્રી સ્કંદમાતા છે. શ્રી સ્કંદ (કુમાર કાર્તિકેય) ની માતા હોવાને કારણે તેમને શ્રી સ્કંદમાતા કહેવામાં આવે છે. સ્કંદમાતાનું પૂજન કરવાથી પુત્રસુખ મળે છે.
આદિશક્તિ દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ એટલે શ્રી કાત્યાયની. મહર્ષી કાત્યાયનીની તપસ્યાથી પ્રસન્ન થઈને આદિશક્તિએ તેમના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ લીધો હતો. એટલા માટે તે શ્રી કાત્યાયની કહેવાય છે. માતા કાત્યાયનીનું પૂજન કરવાથી ઇચ્છાપૂર્તિ થાય છે.
આદિશક્તિ શ્રીદુર્ગાનું સાતમું સ્વરૂપ એટલે શ્રી કાલરાત્રી છે. આ કાળનો નાશ કરનારી છે. એટલા માટે કાલરાત્રી કહેવાય છે. કાલરાત્રિનું પૂજન કરવાથી શત્રુ પર વિજય મેળવી શકાય છે.
આદિશક્તિ દુર્ગાનું આઠમું સ્વરૂપ એટલે શ્રી મહાગૌરી. આમનો વર્ણ ગોરો છે એટલા માટે તેમને મહાગૌરી કહેવામાં આવે છે. મહાગૌરીનું પૂજન કરવાથી નવ નિધિ સુખ મળે છે.
આદિશક્તિ શ્રી દુર્ગાનું નવમું સ્વરૂપ એટલે શ્રી સિદ્ધિદાત્રીનું છે. આ બધા જ પ્રકારની સિધ્ધિઓની દાત્રી છે એટલા માટે તેને સિદ્ધિદાત્રી કહેવામાં આવે છે. સિદ્ધિદાત્રીનું પૂજન કરવાથી કાર્યસિદ્ધિ તથા સન્માન મળે છે.
હિન્દુ પૌરાણિક કથા પર નજર નાખીએ તો ત્રેતાયુગમાં રાવણે માતા સીતાનુ હરણ કરીને લંકા લઈ ગયા હતા. જેથી રામે સીતાને પરત લાવવા માટે લંકા પર આક્રમણ કરવાની યોજના બનાવી. એ સમયે આસો માસ હતો. આ માસમાં દેવતાઓનો શયનકાળ હોય છે. તેથી શ્રીરામે આસો માસના સુદ પક્ષમાં એકમથી લઈને નવમી સુધી આરાધના કરીને દેવી શક્તિને જાગૃત કરી. તેમને દેવી પાસેથી રાવણ પર વિજય મેળવવાનું વરદાન પણ મળ્યુ. આમ શ્રી રામે આસો સુદ દશમીએ વિજય મુહુર્તમાં લંકા પર આક્રમણ કરીને રાવણનો સંહાર કર્યો. શ્રીરામે નવ દિવસ વ્રત અનુષ્ઠાન કર્યુ હોવાને કારણે શારદીય નવરાત્રિમાં માતાની આરાધના કરવાનું મહત્વ વધી ગયુ.
” सर्वे भवन्तु सुखिन: सर्वे सन्तु निरामया: |
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दु:खभाक् भवेत् || “
જેનો મતલબ છે નવરાત્રિના નવ દિવસ મનમાં ખરાબ વિચારો, છળ-કપટ, ઈર્ષા છોડીને આપણે નવ દિવસ સુધી માનવ કલ્યાણના કામો કરીએ.

 

જવાબ છોડો