BHARAT NI PAVITRA NADI

ભારતની પવિત્ર નદીઓ

અનેક પવિત્ર નદીઓ પોતાના પવિત્ર જળથી ભારતભૂમિને સુજલામ સુફલામ બનાવે છે. સંપૂર્ણ દેશમાં શ્રદ્ધા અને આદરથી આ નદીઓને યાદ કરવામાં આવે છે. આ બધી નદીઓ આપણા દેશની ચડતી-પડતીની સાક્ષી છે. આપણી સાંસ્કૃતિક પરંપરારૂપે આ નદીઓના કિનારે અનેક તીર્થો વિકસ્યાં છે.

 

ગંગા :

ganga
ગંગા આપણા દેશની સૌથી વધુ પવિત્ર નદી છે. પોતાના પૂર્વજોના ઉધ્ધાર માટે સૂર્યવંશી રાજા ભગીરથે ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવવા પ્રયત્નો કર્યા. ( ત્યારથી જ કોઈ મહાન કાર્યને ‘ભગીરથ કાર્ય’ કહેવામાં આવે છે.) ભગીરથ રાજાના પ્રયત્નોને અંતે ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતરી આવી છે. ગંગાના પ્રચંડ વેગને રોકવા મહાદેવજીએ તેને પોતાની જટામાં લીધી. ત્યાંથી પૃથ્વી પર અવતરી. સગર પુત્રોની ભસ્મને સ્પર્શી ગંગાએ એમનો ઉદ્ધાર કર્યો. ઉત્તરપ્રદેશના ઉત્તર કાશી જિલ્લામાં ગંગોત્રી શિખરે આવેલું ‘ગોમુખ’ તેનું ઉદગમસ્થાન છે.ગંગાને અલગ અલગ સ્થાને અલકનંદા, ભાગીરથી, જાહ્નવી, દેવનદી જેવા નામોથી ઓળખવામાં આવે છે. બાંગ્લાદેશમાં તેને ‘પદ્મા’ કહે છે. ઋગ્વેદ, મહાભારત, ભાગવત પુરાણ, રામાયણ વગેરેમાં ગંગાનું ખુબ જ મહત્વ ગવાયું છે. ગંગા બધા જ તીર્થોનો પ્રાણ છે, તે સત્ય જ છે.

 

યમુના :

yamuna

સૂર્યપુત્રી યમુના ભારતની સૌથી વધુ પવિત્ર નદીઓમાંની એક છે. ગંગાને યાદ કરીએ ત્યારે યમુના તરત જ યાદ આવે, ખરું ને ! એટલે તો આપણે સ્નાન કરતી વખતે તેનું આહવાન કરીને પવિત્ર થવાની કામના કરીએ છીએ.
गङ्गे च यमुने चैव गोदावरि सरस्वति |
नर्मदे सिन्धु कावेरी, जलेस्मिन सन्निधि कुरु ||
યમનોત્રી શિખર યમુનાનું ઉદગમસ્થાન છે. દેવી યમુનાનું મંદિર ત્યાં આવેલું છે. યમુનાને યમની બહેન કહેવાય છે. ભાઈબીજના દિવસે યમુનામાં સ્નાન કરવું એ ખુબ પુણ્યદાયી ગણાય છે.

સિન્ધુ :

sindhu

સિન્ધુને માત્ર ભારતની જ નહિ; પરંતુ વિશ્વની વિશાળ નદી હોવાનું શ્રેય મળે છે. તિબેટમાં આવેલા કૈલાસ માનસરોવર પાસે સિંધુનું ઉદગમસ્થાન છે. પોતાની સિન્ધુ સમાન વિશાળતાને કારણે જ તેનું નામ સિન્ધુ પડ્યું. ઋગ્વેદમાં વર્ણવાયેલો સપ્તસિંધુ પ્રદેશ સિન્ધુ નદીની બંને બાજુએ અને પંજાબ સુધી હતો. વૈદિક સંસ્કૃતિનો વિકાસ અહી જ થયો. મોહેં-જો-દડો અને હડપ્પાના ઉત્ખનન દ્વારા મળેલી જાણકારીથી આ પ્રદેશના પ્રાચીન વૈભવનો ખ્યાલ આવે છે.

 

સરસ્વતી :

saraswati

વેદોમાં ઉલ્લેખિત આ નદી હિમાલયમાંથી નીકળીને વર્તમાન હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના પ્રદેશોને પલ્લવિત કરતી સિન્ધુ સાગરને મળતી હતી. કાળક્રમે ભૂગર્ભીય હલચલને કારણે અમ્બાલાની આસપાસ આ વિસ્તાર ઊંચો થઇ ગયો. જેના પરિણામે આ નદીનું પાણી શોષાઈને જમીનમાં ઉતરી ગયું. આજે પણ હરિયાણા તથા રાજસ્થાનના પ્રદેશોમાં તે પૃથ્વીના પેટાળમાં વહી રહી છે. તમે કદાચ આપણા કચ્છની લુણી નદીથી પરિચિત હશો. આ લુણી નદી એ સરસ્વતીનો અવશેષ ગણાય છે. આ નદીના આસપાસના પ્રદેશને ‘ સારસ્વત પ્રદેશ ‘ તરીકે ઓળખાય છે. વેદોની રચના અહી જ થઇ હતી.

 

ગંડકી :

gandaki

આ પવિત્ર નદી નેપાળના મુક્તિનાથથી સહેજ આગળ, દામોદર કુંડથી નીકળે છે. તેને ‘નારાયણી’ અઠવ ‘શાલિગ્રામી’ પણ કહે છે. આ નદીના વિસ્તારમાંથી વિવિધ સ્વરૂપવાળા શાલિગ્રામ મળી આવતા હોવાથી જ ‘ શાલિગ્રામી ‘ તરીકે ઓળખાય છે. મુક્તિનાથ તેના કિનારા પર આવેલું મુખ્ય શક્તિપીઠ છે. દક્ષ યજ્ઞનો નાશ કરીને સતીના પાર્થિવ શરીરને ખભા પર લઈને શિવજી ઉન્મત્ત બની ઘૂમતા રહ્યા. સર્વ દેવમય પરમેશ્વર વિષ્ણુએ શિવજીના મોહશમન તથા સાધકોની સિદ્ધિ અને કલ્યાણ માટે સુદર્શન ચક્રથી સતીના અંગોને જુદાં જુદાં સ્થળો પર ગબડાવી દીધા. જે -જે જગ્યાએ સતીના અંગો પડ્યા ત્યાં-ત્યાં શક્તિપીઠની રચના થઇ. તેમાં સતીનું ગંડસ્થળ અહી પડ્યું હતું. આ કારણે જ તેને ગંડકીના નામથી ઓળખવામાં આવે છે.

 

બ્રહ્મપુત્રા :

brahmaputra

સાત મહાનદીમાં બ્રહ્મપુત્રા મુખ્ય છે. પવિત્ર માનસરોવર પાસેનું એક વિશાળ હિમ તેનું ઉદગમસ્થાન છે. તેબિત ક્ષેત્રમાં તેને ‘સાંપો’ કહેવામાં આવે છે. અરુણાચલ અને અસમમાં તેને ‘લોહિત’ કહેવામાં આવે છે.

 

રેવા :

reva

અમરકોશ અનુસાર નર્મદાનું બીજું નામ રેવા છે. રેવાને મૈકાલ કન્યાના નામે પણ ઓળખવામાં આવે છે. કારણ કે મૈકાલથી તેનો એક સ્ત્રોત શરુ થાય છે. તો બીજો ભાગ અમરકંટકથી પ્રગટે છે. મધ્ય ભારતમાં આ નદી ગંગાની જેમ જ વંદનીય છે. તેનું નામ રુદ્રકન્યા પણ છે. અમરકંટકથી પશ્ચિમ દિશામાં વહીને ભરૂચ પાસે ખંભાતના અખાતમાં મળી જાય છે. નર્મદા નદી પર ‘સરદાર સરોવર’ નામનો એક વિશાળ બંધ આકાર લઇ રહ્યો છે. આપણા ગુજરાતની મુખ્ય બે સમસ્યા : પાણી અને વીજળી – આ બંધ ઉકેલી શકશે. આ કારણે ગુજરાતની કૃષિ ખુબ જ સમૃદ્ધ થશે. આથી જ નર્મદાને ‘ ગુજરાતની જીવાદોરી ‘ કહેવામાં આવી છે.

 

ગોદાવરી :

godavari

ગોદાવરી નદી દક્ષિણ ભારતની ગંગા કહેવાય છે. ગૌતમ ઋષિના તપને કારણે અવતરી હોવાના કારણે તેનું નામ ‘ગૌતમી’ પણ છે. મહારાષ્ટ્ર રાજ્યના નાશિક જિલ્લામાં ત્ર્યંબક નામનું ગામ છે. અહી બ્રહ્મગિરિમાંથી નીકળીને ગોદાવરી પૂર્વ બાજુએ વહીને ગંગાસાગરમાં મળે છે.

 

કૃષ્ણા :

krushna

કૃષ્ણા ભારતની મુખ્ય નદીઓમાંની એક છે. આ નદી સહ્યાદ્રી પર્વતમાળામાં મહાબળેશ્વરની ઉત્તરે આવેલા કરાડમાંથી નીકળે છે. કૃષ્ણાની મુખ્ય બે સહાયક નદીઓ ભીમા અને તુંગભદ્રા છે.

 

કાવેરી :

kaveri

મુખ્ય નદીઓ પૈકી કાવેરી ભારતની દક્ષિણે આવેલી છે. તે કુર્ગ જિલ્લામાં આવેલા સહ્યાદ્રી પર્વતના દક્ષિણ ભાગમાંથી દક્ષિણ – પૂર્વ તરફ વહેતી વહેતી સાગરમાં મળી જાય છે.

 

જવાબ છોડો