VARSHANI HELI GUJRATI SUVICHAR

“પહેલા વરસાદનો છાંટો પડે ને,

મારા ભીતરના પાદરમાં પૂર,

ધિંગી ધરાની છાતી ચીરીને પછી

લીલાછમ ફૂટે અંકુર !”


તપ્ત ધરતી પર જયારે પહેલા વરસાદના ફોરા વરસે છે ત્યારે શરીરતો ભીંજવી દે છે, પરંતુ આપના આંતરમનને પણ ભીંજવી ઠંડક આપે છે. આ વર્ષાની પ્રત્યેક બુંદ આપણા રોમેરોમમાં રોમાંચ મચાવી દે છે. અને પ્રકૃતિ તો જાણે લીલી ચાદર ઓઢીને નાચવા લાગે છે. સૃષ્ટીના દરેક અંગમાં વર્ષના સ્પર્શથી અનેરો આનંદ છવાઈ જાય છે !

વાતાવરણની અહ્લાદકતા, માટીની સુગંધ, હરિયાળી ધરતી, હૈયાના હિલોળા, પંખીના ટહુકાર, મેઘધનુષની લહેરાતી ઓઢણી વગેરે વર્ષાના વધામણા છે. વર્ષાની સંધ્યાનું રૂપ તો કૈક અનોખુજ હોય છે ! અબાલ-વૃદ્ધ સૌ કોઈના મનને પ્રસન્નતાથી ભરી દેનાર આ ઋતુ છે.

 

યુવાન હૈયાઓ માટે તો જાણે આ પ્રેમની ઋતુ છે. તન મનને ભીંજવી અંતરના તારને છેડનારી આ ઋતુ છે. વર્ષાઋતુ એટલે રોમાન્સની મૌસમ ! પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકાને આ મોસમમાં વિરહ ખમવો પડે તો મોત સમાન લાગે ! આપણા મહાન કવિ કાલિદાસે મેઘદૂતમાં વર્ષાઋતુની આ ભીની ભીની મોસમમાં પ્રેમીયુગલોને વેઠવા પડેલા વિરહનું બેજોડ વર્ણન કર્યું છે. દરેક પ્રેમયુગલની કેટલીક મીઠી યાદો વરસાદ સાથે અચૂક જોડાયેલી હોય છે. પતિ-પત્ની વરસતા વરસાદમાં ચાલવા કે લોંગડ્રાઈવની મોજ માણવા નીકળી પડે છે.

વરસતા વરસાદમાં ગરમા ગરમ અને ચટાકેદાર વાનગીઓ ખાવાની મજાજ કંઈક ઓર હોય છે. આ મજા બાળકો, યુવાનો, અને વૃદ્ધો સૌ કોઈ માણે છે. પરંતુ કેટલાક લોકો વરસાદના આ સ્પર્શને માણતાજ નથી. વરસાદ અને પોતાની વચ્ચે જાણે ભીતો ખડી કરી દે છે. તેથીજ આદિલ મન્સૂરીએ કહ્યું છે:

“કેટલી માદકતા સંતાઈ હતી વરસાદમાં !

મસ્ત થઇ સૃષ્ટી બધી ઝૂમી ઉઠી વરસાદમાં !

રેઇનકોટો, છત્રીઓ, ગમશુઝ, વોટરપ્રૂફ હેટ્સ,

માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં !”

– આદિલ મન્સૂરી

વર્ષાઋતુ એટલે જીવન આધારની ઋતુ. તે સમગ્ર સૃષ્ટીની તારણહાર છે. સાગરના તટ છોડી વાદળો ધરાને ભીંજવવા આવી પહોચે છે. અને આ શુભ અવસરમાં પશુ પંખી ને જગતના તાત ખેડૂતોની સાથે આર્થિક ક્ષેત્રોના નિષ્ણાતો પણ તેનું મૂલ્ય જાણે છે. કોઈપણ દેશનું અર્થ તંત્ર સારા ચોમાસા પરજ નિર્ભર છે. અને તેના ઉપરજ દેશનો વિકાસ અને ખુશાલી રહેલી છે.

 

વર્ષાઋતુનો આરંભ ખેડૂતો માટે તો શુભ સંકેત હોય છે. માટે આ સમયે ખેડૂતો પણ આનંદમાં આવી જાય છે તથા ખેતીના કામમાં આવનારી વસ્તુઓનું પૂજન કરે છે અને સારા પાક માટેની પ્રાર્થના કરે છે. ત્યારે રાજેન્દ્ર શુક્લની આ પંક્તિ યાદ આવે છે.

“એ જ વરસે વાદળી સમ ઝૂકતું આકાશથી,

એજ તો મોતી સમું પાછું નીપજતું હોય છે.”

– રાજેન્દ્ર શુક્લ

અસહ્ય ગરમી પછી મન અને વાતાવરણને ઠંડક અને રાહત આપનારી આ ઋતુ છે. પરંતુ સ્વાસ્થ્ય માટે વરસાદની આ ઋતુ ઘણી સંવેદનશીલ હોય છે. આયુર્વેદમાં માન્યતા છે કે વર્ષા ઋતુમાં આપણા શરીરમાં વાયુનો વિશેષ પ્રકોપ તથા પિત્તનો સંચય થાય છે. વર્ષાઋતુમાં વાતાવરણના પ્રભાવને કારણે સ્વાભાવિક રીતે આપણી ભૂખ અને ભોજનને પચાવવાની ક્ષમતા મંદ પડી જાય છે. તેનાથી ઘણા રોગો થાય છે. આથી ચોમાસાની સીઝનમાં ખાન-પાનમાં ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે. આથીજ આ સમયે વ્રત-ઉપવાસનું મહત્વ વધારે હોય છે.

વરસતા વરસાદને મન ભરીને માણો અને આવનારું આખું વર્ષ ચહેરા પર હાસ્ય અને શરીરમાં સ્વાસ્થ્ય વસાવતા રહો તેવી શુભેછા!!!

જવાબ છોડો