DIPAWALI parv
તમારા હૈયાને હેતથી છલોછલ ભરી દેજો
તમારા મનને મૈત્રીથી મઘમઘતું બનાવી દેજો
તમારા અંતરને આનંદથી ઓતપ્રોત કરી દેજો
તમારી આંખોમાં સ્નેહના નીર છલકાવી દેજો
તમારા પ્રાણમાં પરમાત્માના પુષ્પો ખીલવી દેજો
આ નુતનવર્ષે આપનો જીવનરૂપી પંથ સદા
સફળતારૂપી પુષ્પોથી મહેકતો રહે
હૃદયની અરવ વિનતિ પરે
પરમ કેવી કૃપા
સૂર્યનું કિરણ થઇ અવતરે……!

 

ધન તેરસ :-

Dhanteras
ધનતેરસ એટલે ધનની પૂજાનો દિવસ. લક્ષ્મીની પૂજાનો દિવસ. જીવનમાં લક્ષ્મીજીની કૃપા વિના જીવન ચાલે નહિ. બ્રહ્મ પુરાણમાં ઉલ્લેખ છે કે લક્ષ્મીજી આખી રાત્રી દરમ્યાન દિપાવલીના આખા પર્વમાં વિહાર કરવા નીકળે છે. તેમાયે ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજાનું ખાસ મહત્વ છે. દરેક ઘરમાં દિવાઓની હારમાળા દ્વારા માતા લક્ષ્મીનું સ્વાગત કરાય છે. આંગણામાં આસોપાલવના તોરણ અને નયન રમ્ય રંગોળીની સાથે લક્ષ્મીજીનું સ્થાપન કરી પૂજા કરાય છે.
” या देवी सर्व भूतेषु, लक्ष्मी रूपेण संस्थिता,
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम : ||”
આ મંત્ર રિધ્ધી સિધ્ધી આપનારો છે. લક્ષ્મી વિષ્ણુ પ્રિયા છે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી લક્ષ્મી પાછળ પાછળ આવે છે. એવું કહેવાય છે કે લક્ષ્મીજી દિપોત્સવીના તહેવારોમાં પૃથ્વી ઉપર ફરે છે. પવિત્ર આંગણું, પવિત્ર મન અને શુદ્ધ આચરણ કરનારને ત્યાં લક્ષ્મીજીનો વાસ થાય છે.
” ॐ महालक्ष्मी च विद्महे, विष्णु पत्नि च धिमहि |
तन्नो लक्ष्मी : प्रचोदयात् || “
(હે લક્ષ્મી માં !અમારા મન, બુદ્ધિને પ્રેરણા બળ પૂરું પાડ.) પૂર્વે આ દિવસોમાં ગાયોની પૂજા થતી હતી. ગાયોમાં બત્રીસ કરોડ દેવતાનો વાસ છે. તેમાં લક્ષ્મીજી સાક્ષાત છે, માટે ગાયની સેવાનું મહત્વ છે. હવેલીઓમાં આજે પણ ગૌ પૂજન થાય છે. હાલના સમયમાં ચાંદીના સિક્કા કે ચાંદીના દાગીનાની પૂજા થાય છે. લક્ષ્મી પૂજન પાછળનું તથ્ય એ છે કે તેનાથી આપણા ધનનો શુભ ઉપયોગ થાય. આપણી સંપત્તિ પવિત્ર બને. જે દાન પુણ્ય કરી લક્ષ્મીનો સદ ઉપયોગ કરે તેને ઘેર લક્ષ્મી દોટ મૂકીને આવે. કળિયુગમાં તો આજે ધનના ઢગલા કરવા આંધળી દોટ મુકાય છે. ભ્રષ્ટાચારથી ધન મેળવવા ન કરવાના કામ થાય છે પણ આવી લક્ષ્મી અંતે વિનાશ નોંતરે છે.
બીજું ધનતેરસ એટલે ધન્વન્તરિ ઋષિની જન્મ જયંતિ. સમુદ્ર મંથન વખતે ‘અમૃત કળશ’ લઈને સમુદ્રમાંથી ઉત્પન્ન થયા હતા, પછી લુપ્ત થઇ ગયા અને બીજા જન્મમાં કાશીના નરેશ તેવા ‘દિવોદાસ’ ના સ્વરૂપે ધરતી પર અવતર્યા અને પ્રગટ થઈને સ્વમુખે પોતાનો પરિચય આપતા જણાવ્યું_ ” હું ધન્વન્તરિ અકાળ મૃત્યુ – અકાળ ગઠપણ રોગ આદિ પીડાઓ દૂર કરવા શસ્ત્રકર્મ (સર્જરી) ને પ્રમુખ સ્થાને લઈને લોકોના હિત માટે આયુર્વેદના માધ્યમથી આરોગ્યનો ઉપદેશ આપવા અવતર્યો છું.” અને તે દિવસે ‘ધનતેરસ’ નો દિવસ હતો. આથી આ દિવસને ‘આરોગ્ય દિવસ’ કે આરોગ્યનું પર્વ ‘ધન્વન્તરિ ત્રયોદશી’ તરીકે ઉજવાય છે.

કાળી ચૌદશ

કાળી ચૌદશ એટલે દિવાળીની આગલી રાત. ધન તેરસ પછીનાં દિવસને કાળી ચૌદશ તરિકે ઉજવવામાં આવે છે. આજનાં દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે, અને ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે, એમ માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે. સાંજે ગૃહિણીઓ કાણા વાળા વડા અને પુરી, ઘર નજીકનાં ચાર રસ્તે મુકીને ઉતાર કાઢે છે.કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપચૌદશ પણ કહે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામનાં અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસમાંથી ઉગાર્યા હતા, જેથી કરીને તેનું નામ નરક ચતુર્દશી પડેલું છે.

 

કાળી ચૌદશે શરીરમાં રહેલ સર્વ આસુરીભાવ વિદાય બને. આસુરીભાવ શક્તિ પણ પરામ્બિકા શક્તિનું જ સર્જન છે. આસુરીભાવનું વિસર્જન કરી અજન્મા ઉચ્ચ સંસ્કાર ચિંતન ફરી પાછું પ્રાપ્ત કરી શકાય છે.

 

અને જીવનકાળના ચક્રમાંથી આપણે દૂર થઇ શકીએ. આથી જ આ દિવસે કકળાટ કાઢી અને ઈશ્વર પાસે મંગળભાવ પ્રગટાવવાની પ્રાર્થના કરવામાં આવે છે.

 

દિપાવલી :-

shubh-dipawali
દીપોત્સવી પર્વ ભારતમાં અનેક વર્ષોથી પ્રકાશ અને પ્રગતિના સોપાન રૂપે ઉજવાતું રહ્યું છે. અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જનારું પર્વ એટલે દિવાળી. જેમ ઋતુઓની રાણી વર્ષા તેમ તહેવારોનો રાજા એટલે દિવાળી. દિવાળી એટલે પ્રકાશનું પર્વ. વિતેલા વર્ષનાં લેખાં – જોખાં કાઢવાનું અને નવા વર્ષનું રંગેચંગે સ્વાગત કરવાનું પર્વ. નાનું અમથું માટીનું કોડિયું તેલ અને દિવેટનો સાથ લઈ દિપકનું રૂપ ધારણ કરી પૂજનીય બને છે, બરાબર એ જ રીતે આપણામાં માણસાઈના દિવા પ્રગટે એમાં જ માણસની ગરિમા છે. દિવાળી એ અંતરમાં ઉજાસ પાથરવાનું પર્વ છે. સ્વયં પ્રકાશ બની જીવતરને અજવાળવાનું પર્વ છે.
” ચોતરફ ભલે હો અંધકાર, દીપ પ્રગટાવીએ,
આપણે જ આપણા આભને અજવાળીએ. ”
દિવાળીને વધાવવા રંગોળી પૂરીએ, મીઠાઈઓ ખાઈએ, ફટાકડા ફોડીએ, ઘરને દર્પણ જેવું કરીએ ……તો પછી દિલમાં દિવો કરવાનું કેમ ભૂલાય ! ઘેર ઘેર પ્રગટતા દિપકોનું આહવાન છે કે એક વાર દિલમાં દિવો પ્રગટાવો પછી જુઓ દિપમાલાની એક શૃંખલા સદાય તમને ઝળાહળા રાખશે. દિલના કમાડને હંમેશા ઉઘાડા રાખીએ. દિલથી કોઈનું દિલ જીતવું એટલે જ દિવાળી ! માનવજીવનમાં દિલ અને દિમાગમાં દીવા પ્રગટાવવાના છે પણ_સ્નેહના, ક્ષમાના, દયાના, શીલના, સંયમના, જ્ઞાનના, સંપના, સદભાવના અને સેવાભાવના ના દીવા. જ્યાં જ્યાં અવિદ્યારૂપી આસુરી સંપત્તિનો અંધકાર છે ત્યાંથી તેને દૂર કરવાનો છે. અને નવા પ્રકાશને પ્રગટાવવાનો છે.
” જો જરા, અંધકારને અળગો કરી,
જ્યોત ભીતરમાં રહી છે ઝળહળી.”

ઐતિહાસિક મહત્વ

દિવાળીના તહેવારનું પોતાનું ઐતિહાસિક મહત્વ પણ છે જેના કારણે આ તહેવાર કોઇ એક ખાસ સમુહનો ન હોઈને આખા રાષ્ટ્રનો તહેવાર બની ગયો છે.

 

* ત્રેતા યુગમાં ભગવાન શ્રીરામ જ્યારે ચૌદ વર્ષના વનવાસ પછી રાવણને હરાવીને પાછા અયોધ્યા ફર્યા હતાં ત્યારે શ્રી રામના આગમનમાં પુરાયે અયોધ્યામાં લોકોએ દિવડા પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું અને ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. ત્યારથી ભારતમાં દિપાવલી નું પર્વ હર્ષોલ્લાસ અને દિવાના પ્રકાશથી ઊજવવામાં આવે છે.

 

* આ કથા પણ પ્રચલિત છે જ્યારે શ્રી કૃષ્ણએ આતતાઈ નરકાસુર જેવા દુષ્ટનો વધ કર્યો હતો ત્યારે વ્રજના લોકોએ દીવડા પ્રગટાવીને પોતાની ખુશી જાહેર કરી હતી.

 

* રાક્ષસોનો વધ કરવા માટે મા દેવીએ મહાકાળીનું રૂપ ધારણ કર્યું હતું. રાક્ષસોનો વધ કર્યા બાદ પણ જ્યારે મહાકાળીનો ક્રોધ શાંત ન થયો ત્યારે ભગવાન શિવ તેમના ચરણોની નીચે સુઈ ગયાં હતાં. ભગવાન શિવના શરીરના સ્પર્શ માત્રથી જ મહાકાળીનો ક્રોધ શાંત થઈ ગયો હતો. તેમની આ યાદ સ્વરૂપે શાંતિની પ્રતિક દેવી લક્ષ્મીની પૂજાની શરૂઆત થઈ છે. આ જ રાત્રે તેમના રૌદ્ર રૂપ મહાકાળીની પુજાનું પણ મહત્વ છે.

 

* મહાપ્રતાપી અને દાનવીર રાજા બલીએ પોતાના બળ દ્વારા ત્રણેય લોક પર વિજય મેળવી લીધો ત્યારે દેવતાઓની પ્રાર્થના કરવા પર વિષ્ણુએ વામન રૂપ ધારણ કરીને પ્રતાપી રાજા બલી પાસેથી ત્રણ પગલા પૃથ્વી દાન સ્વરૂપે માંગી લીધી. મહાપ્રતાપી રાજા બલીએ ભગવાન વિષ્ણુની ચાલાકીને સમજવા છતાં પણ યાચકને નિરાશ ન કરતાં તેમને ત્રણ પગલાં પૃથ્વી દાનમાં આપી દીધી. વિષ્ણુએ ત્રણ પગમાં ત્રણેય લોકોને માપી લીધા અને તેઓ રાજા બલીની દાનશીલતાથી પ્રભાવિત થઈને તેમને પાતાળ લોકના રાજા બનાવી દીધા અને સાથે સાથે તેમને તે પણ આશ્વાસન આપ્યુ કે તેમની યાદ સ્વરૂપે ભૂલોકવાસી દર વર્ષે દિવાળી ઉજવશે.

 

* કારતકની અમાવસના દિવસે શીખોના છઠ્ઠા ગુરૂ હરગોવિન્દસિંહજી બાદશાહ જહાગીરની કેદથી મુક્ત થઈને અમૃતસર પાછા ફર્યા હતાં.

 

* બૌધ્ધ ધર્મના પ્રવર્તક ગૌતમ બુધ્ધના સમર્થકો તેમજ અનુયાયિઓએ 2500 વર્ષ પહેલાં ગૌતમ બુધ્ધના સ્વાગત માટે હજારો લાખો દિવડા પ્રગટવીને દિવાળી ઉજવી હતી.

 

* સમ્રાટ વિક્રમાદિત્યનો રાજ્યાભિષેક દિવાળીના દિવસે થયો હતો. એટલા માટે દિવા પ્રગટાવીને ઉત્સવ ઉજવવમાં આવ્યો હતો.

 

* અમૃતસરના સુવર્ણ મંદિરનું નિર્માણ પણ દિવાળીના દિવસે કરવામાં આવ્યું હતું.

 

* દીન-એ-ઈલાહીના પ્રવર્તક મુગલ સમ્રાટ અકબરના શાસનકાળમાં દૌલતખાનાની સામે 40 ગજ ઉંચો એક મોટો આકાશદીપ દિવાળીના દિવસે લગાવ્યો હતો. બાદશાહ જહાંગીર પણ દિવાળી ખુબ જ ધામધુમથી ઉજવતાં હતાં.

 

નૂતન વર્ષ :-

happy-new-year
નૂતન વર્ષ એ નવા વિચારો, નવા સંબંધો, નવી આશા, નવા ઉત્સાહની ચેતના, નવા ઉમંગની અભિલાષા, નવા અરમાન, નવા સ્વપ્નોથી જીવનને મહેંકાવતું પર્વ છે ! નૂતન વર્ષના દિવસે લોકો એકબીજાને મળે છે અને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે. તેમજ મોં મીઠું કરીને મીઠા સંબંધો સ્થાપે છે. અને સાલ મુબારક કરે છે.
” નિર્ઝર સાથે નદી મુબારક ,
સાલ અરે શું સદી મુબારક !”
ભૂતકાળની યાદોમાંથી આપણે કશું શીખવાનું છે, થોડું ભૂલવાનું છે અને પછી આગળ વધવાનું છે. ભૂતકાળની યાદો અનેક નેગેટીવ વાતોથી ભરેલી હોય છે. જે આપણને નવા વર્ષના અરમાનોની વિરુદ્ધ દિશામાં ખેંચી લાવે છે. માટે જૂનાને ભૂલીને નવા વર્ષે – નવા માર્ગે આગળ વધવા પ્રયત્ન કરવો જોઈએ. નૂતન વર્ષનો પ્રકાશ આપણા આંગણાને અને અંતરને અજવાળે, દુશ્મનાવટ વેરઝેર ભૂલી જઈને સ્નેહ, સદભાવના અને વસુધૈવ કુટુમ્બકમની ભાવના આપણા સૌના હૃદયમાં દેદીપ્યમાન બને ત્યારે જ સાચો દીપમાળાનો મહોત્સવ ઉજવ્યો ગણાશે.
” હર શ્વાસમાં હો સૂર્ય ઝળહળ મુબારક,
મંગલ ગુલાબી આપને પળ મુબારક
આજે અને એના પછી આવનારા
વર્ષો નવા ને એમના ફળ મુબારક. ”

ભાઈબીજ :-

ભાઈબીજ એક એવો તહેવાર છે જેમાં સુગંધ છે ભાઈ-બહેનના મીઠા સંબંધોની. આ એ તહેવાર છે જે પ્રતિક છે કર્તવ્ય અને મંગલકામનાનુ અને આ માન્યતા જ છે જેણે કેટલાય સંબંધોને અતૂટ બંધનોમાં બાંધ્યા છે. કારતક સુદ પક્ષની બીજના દિવસે યમરાજનું પુજન કરવામાં આવે છે તેથી યમબીજ પણ કહે છે. આ તહેવારનું મુખ્ય લક્ષ્ય ભાઈ-બહેનના પવિત્ર સંબંધની સ્થાપના અને પ્રેમભાવની સ્થાપના કરવાનો છે. આ દિવસે બહેન બેરી પુજન કરે છે અને ભાઈના દિર્ધાયુષ્ય માટેની પ્રાર્થના કરે છે. ધર્મ, ભાષા અને બંધનોથી અલગ ભાઈબીજનો તહેવાર કોઈનો બંધક હોય તો તે ફક્ત ભાવનાઓનો !
કરીએ શત શત અભિવંદન, સ્વીકાર કરો શુભ અભિનંદન !
જ્ઞાન ભક્તિ ને સેવામાં, આનંદભર્યું તુમ જીવન હો !
ગુણ પુષ્પોથી શોભતું, જીવનનું નંદનવન હો !
સ્વાસ્થ્યરૂપી તન-મન, યૌવનનું સંરક્ષણ હો !

જવાબ છોડો