ગુરુ પૂર્ણિમા પર્વ

0
106
GURU PURNIMA GUJRATI

न गुरु: अधिकं तत्त्वं

न गुरु: अधिकं तप: |

न गुरु: अधिकं ज्ञानं

तस्मै श्रीगुरवे नम: ||

અર્થાત ” ગુરુથી કોઈ શ્રેષ્ઠ તત્વ નથી, ગુરુથી અધિક તપ નથી અને ગુરુથી વિશેષ કોઈ જ્ઞાન નથી એવા શ્રી ગુરુદેવને નમસ્કાર.”

આપણો ભારત દેશ ” વિશ્વ ગુરુ ” તરીકે ગૌરવવંતુ સ્થાન ધરાવે છે. ગુરુનું પૂજન એ ભારતીય પરંપરા છે. આ સમાજનું ઘડતર કરનાર અને સમાજને સુરક્ષિત રાખવામાં મોટામાં મોટો ફાળો હોય તો એ ગુરુનો છે. આજનો દરેક વિદ્યાર્થી ભવિષ્યનો નાગરિક છે. તે સમગ્ર દેશનો આધાર સ્તંભ છે. તે ઈમારતનો એક પાયો છે. એ પાયાને મજબૂત કરવાનું કામ ગુરુ કરે છે. તેઓ ઈમારતનું પાકું ચણતર કરી તેને કદી ડગવા દેતા નથી. નીચેની પંક્તિમાં આવા જ કોઈ ગુરુનું ચિંતન પડઘાય છે.

” વાવવા છે બીજ મારે બાળકોના દિલ મહીં,

વૃક્ષ થઈને ઊગશે એ નામ જિજ્ઞાસા ધરી !

જ્ઞાનરૂપી ફળ પછી તો આવશે એ વૃક્ષ પર,

શીખવી દેશે સહજમાં જીવવાનું જિંદગી !

ગુરુ વિનાનું જીવન જાણે પાચન વગરના ભોજન જેવું છે. વર્ષો જૂના મહેલમાં ભરાયેલા કચરાને દૂર કરવા જેટલી ધીરજ જરૂરી છે, તેટલી જ ધીરજ વિદ્યાભ્યાસમાં જરૂરી છે. અને તે ધીરજની શક્તિ આપનાર કેવળ કોઈ ગુરુ જ હોય શકે.

તેથી શિષ્ય ગુરુના પાદપંકજમાં પાર્થના કરે છે કે,

” मेरी नैया पर लगादो, गुरु ज्योत से ज्योत जगादो ।

काम, क्रोध, मद, लोभ, मोह से गुरूजी हमको बचालो ।

सद्गुरुके शुंगार से, अब तो गुरूजी हमको सजालो । “

ગુરુ અને શિષ્ય બંને વચ્ચે એટલી તેજસ્વી શક્તિ છે કે કદાચ સૂર્યનું તેજ પણ તેમની પાસે ઝાંખું પડે ! માનવીનો શારીરિક વિકાસ તો તેની માતા કરે છે, પરંતુ માનવી પોતાનો માનસિક અને આધ્યાત્મિક વિકાસ ગુરુ પાસેથી પ્રાપ્ત કરે છે. ‘ ગુરુ એ ગુરુનો પણ ગુરુ છે. ‘ અર્થાત આપણા જે ગુરુ છે, તેમના પણ કોઈ ગુરુ છે. અને તેમના પણ. આમ આ પરંપરા છેક પૂર્વે ઋષિઓના સમય સુધીની છે. કહેવાય છે કે,

” ક્ષણે ક્ષણે જે નવું શીખવે એનું નામ શિક્ષણ.

જે માતૃહૃદય રાખીને શીખવે એનું નામ શિક્ષક.”

‘ Good teachers Think before they act, Think while they act, Think after they act.’

(સારા શિક્ષક એ જ છે કે જે કાર્ય કરતા પહેલા વિચારે છે, કાર્ય કરતી વખતે વિચારે છે, અને કાર્ય કર્યા બાદ પણ તેનું જ ચિંતન કરે છે.)

ગુરુ વિદ્યાર્થીનો જ્ઞાનપિતા છે. જ્ઞાનની ભાષામાં તે વિદ્યાર્થીને પણ ગુરુ બનાવી દે છે. જ્ઞાનના આ ઝરણામાં પોતે હોડકું બની વિદ્યાર્થીને કિનારે પહોંચાડે છે. ‘ જે વ્યક્તિ સાચો માર્ગ દર્શાવે તે જ ગુરુ.’ પછી તે ધાર્મિક હોય કે જ્ઞાનીય. એક કવિએ કહ્યું છે કે,

” जो बात दवा से हो न शके,

वो बात दुआ से होती हे,

काबिल गुरु जब मिलता हे,

तो बात खुदा से होती हे । “

મનુષ્યની સફળતા પાછળ તેના જ્ઞાની ગુરુના આશિર્વાદ તેમજ પ્રેરણા રહેલા હોય છે. માનવીની અંદર સુષુપ્ત શક્તિ સ્વરૂપે તેજ રહેલું છે. આ માનવ – તેજમાંથી તેજપુંજ બનવા તેજોમય ગુરુનું સાનિધ્ય જરૂરી છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ કારીગર પોતાના અથાગ પ્રયત્નથી હીરાને ઘસીને ચકચકિત કરી દે છે. તેવી જ ગુરુ એક અજ્ઞાની શિષ્યને જ્ઞાની બનાવે છે. એક કાળા હિરાને ઘસી તેને એટલો પ્રકાશિત કરે છે કે હિરાને એક અંધારા ઓરડામાં મૂકતા આખા ઓરડામાં પ્રકાશ ફેલાય છે. ગુરુના હાથે આ જ્ઞાની બનેલો શિષ્ય આ દુનિયામાં એક નવો પ્રકાશ ફેલાવે છે.

સંત કબીરે પણ ભાવપૂર્ણ શબ્દોમાં કહ્યું છે_

” गुरु गोविन्द दोऊ खड़े काके लागूँ पाय ।

बलिहारी गुरुदेव की गोविन्द दियो बताय ।। “

આવા સદગુરુને જો ઉપમા આપવી જ હોય તો લોઢાનું સોનું બનાવનાર પારસમણીની આપી શકાય, પરંતુ તે પણ અધૂરી છે. પારસમણી લોખંડને સોનું બનાવે છે, પરંતુ પોતાના જેવો પારસમણી બનાવતો નથી. ગુરુ તો શિષ્યને પોતાનું ગુરુત્વ આપે છે. તેમજ પોતાના શિષ્યોમાં કોઈ ભેદ રાખતા નથી. ધન્ય છે એવા ગુરુને કે જેનો આપણા પર વર્ષોથી ઉપકાર છે અને રહેશે. કહેવાય છે કે_

” સદગુરુ તમારે શરણે આવે, ગરીબ ને ધનવાન ;

સૌને તમે સરખા ગણો એવી તમારી શાન. “

આ લેખ થી ગુરુ પૂર્ણિમા પર્વ સમાપ્ત નથી થતું…

જવાબ છોડો