GANESH CHATURTHI
वक्रतुण्ड् महाकाय सूर्यकोटि समप्रभ : |
निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा ||
અર્થાત્: (જેની સૂંઢ વક્ર છે, જેનું શરીર મહાકાય છે, જે કરોડો સૂર્ય સમાન તેજસ્વી છે તેવું સઘળું શુભ પ્રદાન કરનાર ગણપતિ સદૈવ મારાં વિઘ્ન હરે.)
શુભ પ્રસંગોનો શુભારંભ જેનાથી થાય છે તેવા વિઘ્નહર્તા મંગલમૂર્તિના અવતરણનો દિવસ એટલે ગણેશ ચતુર્થી. ભાદરવા માસની ચતુર્થીના દિવસથી અનંત ચૌદસ સુધી એટલે કે દસ દિવસ સુધી ગણેશોત્સવ મનાવવામાં આવે છે. ગણેશ ઉત્સવ સાથે રાષ્ટ્ર એકતાનો મહાન ઉદ્દેશ્ય પણ જોડાયેલો હોવાથી મહારાષ્ટ્ર્માં રાષ્ટ્રીય પર્વ જેટલું જ મહાત્મ્ય ગણેશ ચતુર્થીનું છે. તેથી રાષ્ટ્રનાયક તરીકે પણ તેની આરાધના કરવામાં આવે છે. ગજાનનના આવિર્ભાવને સંદર્ભે અનેક કથાઓ પણ પ્રચલિત છે. ગણેશનું અનોખું પ્રતીકાત્મક સ્વરૃપ જ દિવ્ય સંદેશ આપનારું છે. ગણેશના આવિર્ભાવની ઘડીને બહુ હર્ષોલ્લાસ અને શ્રદ્ધા સાથે મનાવવામાં આવે છે.
ગણેશ ચતુર્થીનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ૪ના રોજ મનાવવામાં આવે છે, આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે. આ તહેવારને સંસ્કૃત,તમિલ ભાષા,તેલુગુ ભાષા અને કન્નડ ભાષામાં ‘વિનાયક ચતુર્થી’ કે ‘વિનાયક ચવિથી’, કોંકણી ભાષામાં ‘વિનાયક ચવથ’ અને નેપાળીમાં ‘વિનાયક ચથા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.ગુજરાતિ ભાષામા ‘ગણેશ ચોથ’ કહેવાય છે.આ તહેવાર ૧૦ દિવસ ચાલે છે જે અનંત ચતુર્થીનાં દિવસે પૂર્ણ થાય છે.

ગણેશ પૂજાનું મહત્વ :-

આપણે કોઈ પણ મંગલકાર્યની શરૂઆત વિનાયકને યાદ કરીને કરીએ છીએ. શ્રદ્ધા અને ભક્તિભાવથી તેની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિના સુસંસ્કારોમાં કોઈ કાર્યની સફળતા માટે પહેલા તેના મંગલા ચરણ કે પછી પૂજ્ય દેવોની વંદનાની પરંપરા રહી છે. કોઈ કાર્યને વ્યવસ્થિત રીતે નિર્વિઘ્નપૂર્વક સંપન્ન કરવા માટે સૌ પ્રથમ શ્રીગણેશની વંદના અને અર્ચનાનુ વિધાન છે. તેથી સનાતન ધર્મમાં સૌ પ્રથમ શ્રીગણેશની પૂજાથી જ કોઈ કાર્યની શરૂઆત થાય છે.
શ્રી ગણેશ પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ અને કલ્યાણકારી છે. ભલે તે કોઈ કાર્યની સફળતાને માટે કે પછી ભલે કોઈ કામનાપૂર્તિ સ્ત્રી, પુત્ર, પૌત્ર, ઘન, સમૃધ્ધિને માટે કે પછી અચાનક જ કોઈ સંકટમાં પડેલ દુ:ખોના નિવારણ માટે હોય. અર્થાત જ્યારે ક્યારેક કોઈ વ્યક્તિને કોઈ અનિષ્ટની આશંકા હોય કે પછી તેને વિવિધ શારીરિક કે આર્થિક કષ્ટ ઉઠાવવા પડી રહ્યા હોય તો તેણે શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કોઈ યોગ્ય અને વિદ્વાન બ્રાહ્મણના મદદથી શ્રીગણપતિ પ્રભુ અને શિવ પરિવારનુ વ્રત, આરાધના અને પૂજન કરવુ જોઈએ. કોઈપણ શુભ પ્રસંગ પછી તે લગ્‍નનો પ્રસંગ હોય કે કુંભ મૂકવાનો કે શિલારોપણનો લક્ષ્‍મીપૂજન હોય કે મંદિરમાં ભગવાનની પ્રાણ-પ્રતિષ્‍ઠા કરવાની હોય, ગણપતિનું પૂજન સૌ પ્રથમ કરવામાં આવે છે.

” देवा हो देवा गणपति देवा मंगलम ग़नेशम

विघ्न विनाशक जन सुख दायक मंगलम गणेशंम

देवा हो देवा गणपति देवा मंगलम गणेशं

तू ही आदि तू ही हैं अंत

देवा महिमा तेरी हैं अनंत

देवा हो देवा गणपति देवा मंगलम गणेशं “

ગણેશજીના વિવિધ સ્વરૂપ :-

ગુદ્ગલ પુરાણ મુજબ અનંત, અનાદિ, બ્રહ્માંડ નાયક, દૈત્યાસુર નાશક, લાભ-વિજય-સ્મૃધ્ધિ પ્રદાતા, વિધ્નહર્તા બ્રહ્મા-વિષ્ણુ-મહેશના સાક્ષાત રુપ, પ્રચળ્ડ તેજોમય ગણેશના આ સૃષ્ટિ આરંભ થયાથી અત્યાર સુધી એટલા અવતરણ થઈ ચૂક્યાં છે કે તેમની લીલાઓનું વર્ણન કરવામાં સો વર્ષની આયુ પણ ઓછી પડશે. તે અવતારોમાં પણ મુખ્ય આઠ અવતાર છે જેને ‘અષ્ટવિનાયક’ પણ કહે છે
  1. વક્રતુંડ
  2. એકદંત
  3. મહોદર
  4. ગજાનન
  5. લંબોધર
  6. વિકટ
  7. વિધ્નરાજ
  8. ધૂમ્રવર્ણShiv-Parvati-With-Ganesh1

ગણેશ જન્મની વિભિન્ન કથાઓ :-

શિવપુરાણની રુદ્રસંહિતાના ચોથા ખંડ અનુસાર ગણેશનું સર્જન પાર્વતીજીના ઉબટનમાંથી કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે ભગવાન શિવ સ્નાન માટે હિમાલયથી ભીમબલી નામની જગ્યાએ ગયા. પાર્વતીને સ્નાન કરવા જવું હતું અને બહાર દ્વારપાળ તરીકે કોઈને બેસાડવા માટે તેમણે પોતાના ઉબટનમાંથી બાળક ગણેશનું સર્જન કર્યું અને તેમાં પ્રાણ રેડયા. માતા પાર્વતીએ પુત્ર ગણેશને સૂચના આપી કે હું અંદર સ્નાન કરું છું તો કોઈને પ્રવેશવા ન દેશો ત્યારે થોડા સમય બાદ મહાદેવ આવ્યા, ત્યારે ગણેશજીએ શિવજીને રોક્યા.
શિવજીએ બહુ સમજાવવા છતાં માતૃઆજ્ઞાનું પાલન કરવા માટે મહાદેવને પ્રવેશ ન આપ્યો ત્યારે મહાદેવનું અપમાન શિવગણોથી સહન ન થયું અને શિવગણોએ તેની સાથે ભયંકર યુદ્ધ કર્યું, પરંતુ બાળક ગણેશને હરાવી શકાય તેમ ન હતું તેથી ક્રોધે ભરાયેલા શિવજીએ તેનું મસ્તક ત્રિશૂલથી કાપી નાખ્યું. પરિણામ સ્વરૂપ પુત્રવધથી માતા પાર્વતી ક્રોધિત થયાં અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરી તેમણે પ્રલય કરવાનું વિચારી લીધું ત્યારબાદ માતા જગદંબાની સ્તુતિ કરવામાં આવી અને તેને શાંત કરીને શિવજીએ ઉતર દિશામાંથી આવતા ગજનું માથું કાપીને ગણેશને ધડ પર મૂકીને તેના દેહમાં ફરી પ્રાણ ફૂંક્યા. તેથી તે ગજાનન કહેવાયા.
વરાહ પુરાણ અનુસાર સ્વયં શિવે પંચ તત્ત્વને મેળવીને ગણેશનું સર્જન બહુ તન્મયતાથી કર્યું હતું. શિવજીએ ગણેશનું બહુ સુંદર અને આકર્ષક સર્જન કર્યું હતું, પરંતુ ગણેશનું અનુપમ સૌંદર્ય જોઈને દેવો પણ તેની ઇર્ષા કરવા લાગ્યા, કારણ કે માત્ર ગણેશ જ સમગ્ર દેવી-દેવતાઓમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયા હતા તેથી દેવી-દેવતામાં ખળભળાટ મચી ગયો અને શિવજીએ આ ઉત્પાતને શાંત કરવા માટે તેમનું પેટ મોટું બનાવી દીધું અને ચહેરાનો આકાર પણ ગજ જેવો કરી દીધો.
અન્ય એવી પણ કથા પ્રચલિત છે કે પાર્વતીજીએ અને શિવજીએ દુર્વાના તણખલાથી તેનું સર્જન કરી તેની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. એક વાર માતા પાર્વતી અને મહાદેવ નર્મદા નદીના તટ પર વિહાર કરવાં ગયાં. નર્મદા નદીના સુંદર સ્થાન પર માતા પાર્વતીએ ચોપાટ રમવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે મહાદેવે કહ્યું, “આપણે રમીએ પણ આપણી હાર-જીતનો ફેંસલો કરવા માટે કોઈ સાક્ષી જોઈએને !”
ત્યારે પાર્વતીજીએ ઘાસના તણખલામાંથી એક બાળકની રચના કરી અને તેમાં પ્રાણપ્રતિષ્ઠા કરીને તેમણે કહ્યું કે “બેટા, અમે ચોપાટ રમીશું, પરંતુ હાર-જીતનો સાક્ષી તું રહીશ. તારે નિર્ણય કરવાનો કે કોણ હાર્યું અને કોણ જીત્યું.” આ રીતે ગણેશનું સર્જન માતા પાર્વતીએ કર્યું હોવાથી તે શિવ અને પાર્વતીના પુત્ર કહેવાયા. સૌ પ્રથમ વાર તેનું સર્જન દુર્વાના તણખલામાંથી કરવામાં આવ્યું હતું તેથી તેમને દુર્વા અધિકતમ પ્રિય છે અને ગણેશ પૂજામાં દુર્વા અવશ્ય હોય છે.
ભગવાન શિવજીએ ગણેશજીને આશીર્વાદ આપ્યા હતા કે જે વ્યક્તિ કોઈ પણ કાર્યની શરૂઆત કરતાં પહેલા જો ગણેશજીની પૂજા કરશે તો તેના તેનુ કામ કોઈપણ વિઘ્ન વગર પાર પડશે. તેથી ગણપતિને વિધ્નહર્તા પણ કહેવાય છે. ગણેશજીને તમે ધ્યાનથી જોશો તો તમને તેમના વિવિધ અંગો કંઈક ઉપદેશ આપે છે.
” जय गणेश जय गणेश जय गणेश देवा
माता तेरी पार्वती पिता महादेव
एक दन्त दयावंत,चार भुजा धारी
माथे पर सिंदूर सोहे, मुसे की सवारी
जय गणेश जय गणेश जय गणेश देवा …”

ગણેશજીનું સ્વરૂપ અને સંદેશ :-

ગણેશજીનુ મોટુ માથું કહે છે કે, આપણે સારા વિચારો કરીએ, વધારે શીખીએ, વધારે જ્ઞાન મસ્તકમાં ભેગું કરીએ. તેમના મસ્‍તક વિશાળતા સુચવે છે માનવે પણ તેજ રીતે તેના જીવનમાં સંકૂચિતતાનો ભાવ છોડી વિશાળ દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ.
ગણેશજીની નાનકડી આંખો કહે છે કે આપણે ચારેબાજુ દિશાહિન ભટકવાને બદલે એકાગ્ર થઈ લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રીત કરીએ. દરેક કામ ઝીણવટથી કરીએ અને બાજ જેવી નજર રાખીએ, જેથી સમય રહેતા આવનાર સંકટોને પહેલાથી જ જોઈ શકીએ.
ગણેશજીના મોટા કાન કહે છે કે આપણે વધુ સાંભળીએ અને નાનું મોંઢુ કહે છે કે આપણે ઓછું બોલીએ. તેમનો સંદેશ છે કે એકગણું બોલીએ અને ત્રણગણું સાંભળીએ.
ગણપતિજીનુ લાંબું નાક સંદેશ આપે છે કે આપણી આસપાસના વાતાવરણને સૂંધી પરિસ્થિતિને ઓળખી લઈએ. તે દૂરદર્શીતાપણુ પણ સૂચવે છે
ગણેશજીનું દુંદાળુ પેટ સંદેશ આપે છે કે આપણે સારું કે ખરાબ બધું જ પચાવી જઈએ. સફળતાથી અભિમાન ન આણીએ અને નિષ્ફળતામાં હતાશ ન અનુભવીએ. તેમજ તત્‍વજ્ઞાનની સર્વ વાતો સમાવવાનો નિર્દેશ મળે છે.
ગણેશજીના ચારેય હાથોમાં અલગ-અલગ વસ્‍તુઓ છે. જેમાં અંકુશ વાસના વિકૃતિ ઉપર નિયંત્રણ સૂચવે છે. જયારે પાશ ઈદ્રિયોને શિક્ષા કરવાની શકિત તેમજ મોહક સંતોષપ્રદ આહાર સૂચવે છે જયારે ચોથો હાથ સત્‍યનું પાલન કરતા ભક્તોને આશીર્વાદ સૂચવે છે.
ગણેશજીના ટુંકા પગ સંસારની ખોટી દુન્‍યવી વસ્‍તુઓ પછળ ખોટી દોડધામ ન કરવી પરંતુ બુધ્ધિપૂર્વક ધીમે છતાં મક્કમ ગતિએ પોતાના કાર્યમાં આગળ વધવાનું સૂચવે છે.
આમ ગણપતિની તમામ લાક્ષણિકતાઓમાં કોઈને કોઈ શુભ મર્મ છુપાયેલ છે. ગણપતિને રિધ્ધિસિધ્‍ધીના દેવ પણ કહ્યા છે. તેમના પૂજનથી માનવને રિધ્ધિ સિધ્‍ધી પણ સાંપડે છે. આજના દિવસે આવા સર્પણ સંપૂર્ણ ગજાનનનું પૂજન કરી આપણા જીવનને સાર્થક કરીએ.

” गाईये गणपति जगवन्दन, શંकर सुवन भवानी नंदन |

सिध्धि सदन गजवदन विनायक, कृपा सिंधु सुंदर सब लायक |

गाईये गणपति जगवन्दन…….

मोदक प्रिय मुद मंगल दाता, विद्या वारिधि बुध्धि विधाता |

गाईये गणपति जगवन्दन…….”shri-ganesh

ગણેશજીના પ્રિય ફૂલ :-

ગણેશજીને તુલસી છોડીને બધા જ પ્રકારના પત્ર-પુષ્પ પ્રિય છે. ગણપતિજીને ધરો વધારે પ્રિય છે. તેથી સફેદ અને લીલી ધરો તેમને ચઢાવવી જોઈએ. ધરોની ડાળીમાં ત્રણ કે પાંચ પત્તી હોવી જોઈએ. ગણેશજી પર તુલસી ક્યારેય ન ચડાવશો.
પદ્મ પુરાણ આચાર રત્નમાં લખ્યું છે કે, ‘न तुलस्या गणाधिपम |’ એટલે કે તુલસી વડે ગણેશજીની પૂજા ક્યારેય પણ ન કરવી. કાર્તિક માહાત્મ્યમાં પણ કહ્યું છે કે, ‘ગણેશ તુલસી પત્ર દુર્ગા નૈવ તૂ દૂર્વાયા’ એટલે કે, ગણેશજીની તુલસી પત્ર અને દુર્ગા માતાની ધરો વડે ક્યારેય પણ પૂજા ન કરવી. ભગવાન ગણેશને જાસુદનું લાલ ફૂલ ખાસ પ્રિય હોય છે. આ સિવાય ચાંદની, ચમેલી અને પારિજાતના ફૂલોની માળા બનાવીને પહેરવાથી પણ ગણેશજી પ્રસન્ન થાય છે.

” जय गणेश जय गणेश जय गणेश देवा …

पान चढ़े फूल चढ़े, और चढ़े मेवा

लड्डु का भोग लगे, संत करे सेवा

जय गणेश जय गणेश जय गणेश देवा …”

રાષ્ટ્રીય એકતા અને ગણેશ ઉત્સવ

આઝાદી પહેલાં રાષ્ટ્રને સંગઠિત કરવાનું પાયાનું કામ ગણેશ મહોત્સવ દ્વારા કરવામાં આવ્યું. પેશવાએ ગણેશોત્સવની શરૂઆત કરી. પૂનામાં કસ્બા ગણપતિ નામથી પ્રસિદ્ધ ગણપતિની સ્થાપના શિવાજી મહારાજની માતા જીજાબાઈએ કરી.લોકમાન્ય તિલકે ગણેશ ઉત્સવને એક નવું જ સ્વરૂપ આપ્યું જેનાથી ગણેશ રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બની ગયા. લોક માન્યના પ્રયાસ પહેલાં ગણેશ પૂજા પરિવાર સુધી સીમિત હતી, પરંતુ તેને સાર્વજનિક મહોત્સવ બનાવાતાં તે રાષ્ટ્રીય એકતાનું માધ્યમ બની ગયો. લોકમાન્ય તિલકે ૧૮૯૩માં ગણેશ ઉત્સવને સાર્વજનિક બનાવવાનાં બીજ રોપ્યાં.
આપણા દેશમાં ગણેશ ચતુર્થીનો તહેવાર લોકો ધામધુમથી ઉજવે છે, ખાસ કરીને મુંબઇ, મહારાષ્ટ્રમાં આ તહેવારનું ખુબ મહાત્મ્ય છે.મુંબઇમાં તો આ તહેવાર દરમ્યાન લગભગ દરેક શેરી અને મહોલ્લામાં નાની-મોટી અનેક ગણપતિજીની મૂર્તિઓ પધરાવવામાં આવે છે. અહીંના સ્થાનિક લોકો તો પોતાના ઘરમાં પણ ગણપતિજીની મૂર્તિઓ પધરાવતા હોય છે, જેવી જેની શ્રદ્ધા તે પ્રમાણે મૂર્તિઓ પોતાના ઘરે રાખતા હોય છે અને અનંત ચૌદશ પહેલા દરીયામાં પધરાવી દે છે. અને હવે તો સમગ્ર ભારતમાં આ તહેવાર ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે ‘ગણપતિ બાપા મોરયા’ ના અવાજો ઠેર ઠેર સંભળાતા હોય છે. મોરયા એટલે નમસ્કાર. આમ, ગણેશોત્સવ એ આપણા દેશની ભાવાત્મક એકતાનું પ્રતિક છે.
આવા સુખ કરતા, દુ:ખ હરતા, વિધ્ન વિનાયક ગણપતિ દેવને કોટિ કોટિ વંદન !!!

” गणपति गणेश को, कोटे जो क्लेश को,

मेरो प्रणाम है जी, मेरो प्रणाम है | “

જવાબ છોડો