Gandhi Jayanti
“આ હિન્દતણી ફૂલવાડી, તેને એક મળ્યો’તો માળી
પુષ્પ મધુરા ખીલ્યા અધૂરા, માનવમનના પાક્યા પૂળા
માનવતાના પુષ્પ ખીલવવા મથી રહ્યો એ માળી…..
સદા યાદ રહે એ માળી….
ભારતની આંખો ભીની બની ગઈ, નંદનવાડી સૂની બની ગઈ,
લાખ ખરચતા કદી ન મળશે, એ તો પોરબંદરનો માળી….
સદા યાદ રહે એ માળી….
આ હિન્દતણી ફૂલવાડી, તેને એક મળ્યો’તો માળી..
યુગ પ્રવર્તક દ્દ્રષ્ટા તેમજ વિશ્વમાનવ તરીકે નામના પ્રાપ્ત કરનાર ભારતીય સપૂત પૂજ્ય મહાત્મા ગાંધીનું જીવન એટલે ખુલ્લી કિતાબ, નવતર પ્રયોગશાળા અને જીવનના જ્ઞાન – વિજ્ઞાનનો ખજાનો. આ વિશ્વ પુરુષે વિશ્વ બંધુત્વની ભાવનાને ચરિતાર્થ કરવા માટે ઉત્તમ શિક્ષણ ચિંતન કર્યું. તેઓના મતે બાળકના શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોવી જોઈએ. આમ છતાં રાષ્ટ્ર ભાષા તરીકે હિન્દીનો અને આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે અંગ્રેજીનો સ્વીકાર તેઓએ પોતાના જીવનકાળ દરમ્યાન કર્યો હતો. આજે સમગ્ર વિશ્વ શિક્ષણના માધ્યમની ભાષા સંદર્ભે મૂંઝવણ અનુભવી રહ્યું છે. ત્યારે તે મૂંઝવણનો ઉકેલ ‘ગાંધી શિક્ષણ દર્શન’ માંથી પ્રાપ્ત થાય છે. ગાંધીજીની એક કેળવણીકાર તરીકેની ઓળખ પણ એટલી જ વિરાટ છે ! વિશ્વ વિચારક ‘ટોફલરે’ પણ ગાંધીજીના વિરાટપણાને સ્વીકારતા કહ્યું છે;
” 21 મી સદી ટેકનોલોજીની દ્રષ્ટિએ સેટેલાઈટનો ઉપયોગ કરતી હશે અને માનવમૂલ્યોની દ્રષ્ટિએ ગાંધીને અનુસરતી હશે.”
ઈ.સ. 1869 ની બીજી ઓક્ટોબરે પોરબંદરમાં મોહનદાસનો જન્મ થયો હતો. તેમની માતાનું નામ પુતળીબાઇ અને પિતા કરમચંદ ગાંધી હતા. તેમના પિતા રાજકોટમાં દીવાન હતા. મોહનદાસ ત્રણ ભાઈઓમાં સૌથી નાના હતા. રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં તેમણે મેટ્રિક પાસ કરી હતી. પછી એક સત્ર સુધી ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ કરીને 1888 માં લંડન ગયા અને ત્યાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ત્રણ વર્ષે ત્યાંથી તેઓ બેરિસ્ટર થઈને ભારત આવ્યા. શાળામાં ભણતા ત્યારે તેમણે હરિશ્ચંદ્ર નાટક જોયું. આ ઉપરાંત તેમને ‘શ્રવણ પિતૃભક્તિ’ પુસ્તક ખૂબ ગમી જતા વારંવાર વાંચ્યું. આ બંને બાબતની તેમના પર ઊંડી અસર થઇ. પોતે પણ આજીવન સત્યને માર્ગે ચાલશે એવો તેમણે દ્દ્રઢ સંકલ્પ કર્યો. ઈ.સ. 1883 માં તેમના લગ્ન થયા. તેમની પત્નીનું નામ કસ્તુરબાઈ હતું.
મોહનદાસ નાના હતા ત્યારે તેમને એક સંબંધીની સોબતના લીધે બીડી પીને ધુમાડાના ગોટા કાઢવાનો શોખ થયેલો. પાછળથી તેમને ખૂબ પસ્તાવો થયો હતો. એવી જ રીતે બાર તેર વર્ષની ઉંમરે તેમણે પોતાના ભાઈના કાંડામાંથી થોડું સોનું કાપીને વેચી દીધેલું. તે ચોરી તેમણે અને તેના વચેટ ભાઈએ તેમનું દેવું ચૂકવવા કરી હતી. ચોરી કર્યા પછી તેમનું મન ડંખવા લાગ્યું. એટલે પોતાનો પસ્તાવો વ્યક્ત કરવા મોહનદાસે એ ચોરીની બધી વાત એક ચિઠ્ઠીમાં લખી પોતાનો ગુનો કબૂલ કર્યો. પછી એ ચિઠ્ઠી તેમણે પિતાજીને આપી.
પિતા કરમચંદ પથારીમાં બેઠા બેઠા ચિઠ્ઠી વાંચતા હતા. મોહનદાસ સામે ચૂપચાપ ઊભા હતા. આમ તો પિતા ખૂબ જ કડક સ્વભાવના હતા પણ પુત્રની સચ્ચાઈ જાણી ગદગદ થઇ ગયા. તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે ખુશ થઈને મોહનદાસને ક્ષમા આપી – બાળક મોહનદાસને શિક્ષા ન કરી ! પિતાના આંસુથી તેઓ દ્રવી ગયા. તેમને અહિંસાનો પાઠ ત્યાંથી જ શીખવા મળ્યો.
મોહનદાસે મુંબઈમાં વકીલાત કરી પણ અનુકૂળ ન આવતા તેઓ પાછા રાજકોટ આવી ગયા. પછી, પોરબંદરના એક વેપારીનો મુકદમો આફ્રિકામાં ચાલતો હતો તેના કામ અંગે નોકરી મળતા તેઓ આફ્રિકા ઊપડી ગયા. આફ્રિકામાં નાતાલની કોર્ટમાં તેઓ સૌપ્રથમ ભારતીય વકીલ હતા. ત્યાં યુરોપિયનો આપણા દેશના લોકોને વારંવાર અપમાનિત કરતા. મોહનદાસે ઘણી વાર તેમનો ભોગ બનવું પડ્યું.
એક વખત તેમણે આગગાડીમાં મુસાફરી માટે પ્રથમ વર્ગની ટિકિટ લીધી હતી. કાળાગોરાના ભેદની નીતિને કારણે તેમને પ્રથમ વર્ગના ડબામાંથી હડધૂત કરીને ઉતારી મૂક્યા. આમ વારંવાર તેમને અપમાનિત થવું પડ્યું. આ બધું તેમને અસહ્ય લાગ્યું. પરિણામે તેમણે હિંદીઓ પ્રત્યે થતા આવા અત્યાચારો સામે માથું ઊંચકવાનો નિર્ણય કર્યો. રંગભેદની નીતિને મૂળમાંથી ઉખેડીને ફેંકી દેવા દ્દ્રઢ નિર્ધાર કર્યો. તેમણે ત્યાના મતાધિકાર રદ કરવાના વિરોધમાં ‘નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ’ ની સ્થાપના કરી. પછી તેઓ ભારત પાછા આવ્યા અને ભારતમાં લોકો સામે આફ્રિકાના ગોરાઓની પોલ ઉઘાડી પાડી. તેથી અંગ્રેજો ખિજાયા.
ભારતમાં એક સાદા – સામાન્ય – માણસની જેમ તેઓ ફર્યા. ઠેરઠેર તેમણે બ્રિટિશ સરકારના રંગઢંગ જોયા. લોકોના દુ:ખ જાણ્યા. પરિણામે તેમણે અમદાવાદમાં ‘કોચરબમાં સત્યાગ્રહ આશ્રમ’ ની સ્થાપના કરી.તેમણે સરકારની અન્યાયી નીતિ સામે અહિંસક આંદોલનો શરુ કર્યા. ભારતમાંથી દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં મજૂરો પૂરા પાડવાની ગિરમિટ પ્રથા રદ કરાવીને તેમણે સરકાર સામે પહેલો વિજય મેળવ્યો. જનતાને અહિંસક રીતે પ્રતિકાર કરવાના પાઠ શીખવાડીને તૈયાર કરી. તેમણે ‘નવજીવન’ સાપ્તાહિક દ્વારા નવી ચેતના જગાવી; આંખ દેશમાં અસહકારનો જુવાળ પ્રગટ્યો. લોકોને સરકારી નોકારીઓમાંથી રાજીનામાં અપાવીને દરેક વિદેશી ચીજવસ્તુઓનો બહિસ્કાર કરાવ્યો. વિદેશી કાપડની હોળી કરાવી. શાળા કોલેજોને તાળા મરાવ્યા અને એ રીતે આખા દેશને આળસ મરડાવી ઊભો કર્યો. કોંગ્રેસના 1 કરોડ સભ્યો બનાવી 1 કરોડ રૂપિયાનું ભંડોળ ઉઘરાવવાનો તથા 20 લાખ ચરખા ગુંજતા કરવાનો ભગીરથ પ્રયત્ન આદર્યો.
દેશની ગરીબ પ્રજાની કરુણ દશા જોઈ તેમણે પહેરણ અને ટોપીનો ત્યાગ કર્યો. માત્ર ટૂંકી પોતડી પહેરીને સાદાઈની આરાધના શરુ કરી અને ત્યારથી તેઓ મહાત્મા ગાંધી અને આગળ જતા ‘બાપુ’ ના હુલામણા નામે પ્રત્યેક ભારતવાસીના હૈયામાં વસી ગયા. ગાંધીજીને મહાત્માની પદવી ગોંડલમાં યોજાયેલા સમારંભમાં સંસ્કૃતના પંડિત, રાજવૈદ્ય જીવરામ કાળીદાસભાઈ શાસ્ત્રીએ એનાયત કરેલી
“એનું જીવન કાર્ય અખંડ તપો, અમ વચ્ચે બાપુ અમર રહો,
એના જીવન મંત્ર સમો ચરખો, પ્રભુ ભારતમાં ફરતો જ રહો.
એણે જીવતા ‘રામ’ સદાય રટ્યા, એ તો ‘રામ’ વદીને વિદાય થયા,
લઘુ માનવમાં મહિમા ભરવા, નિજ લોહી અશેષ વહાવી ગયા.”
-જુગતરામ દવે
મીઠાના કાયદાનો ભંગ કરવા તેમણે સત્યાગ્રહ કરવાનો નિર્ણય કર્યો. 1930 ની 12 મી માર્ચે અમદાવાદના સાબરમતી આશ્રમથી સીતેર જેટલા સાથીઓ સાથે દાંડી યાત્રા શરુ કરી 25 દિવસ પછી 241 માઇલની મુસાફરીને અંતે દાંડી ના દરિયા કિનારે પહોચી મુઠ્ઠી મીઠું ઉપાડી સરકારના જુલ્મી કાયદાની ઘોર ખોદી. આ મુઠ્ઠી મીઠા થી બ્રિટીશ શાશનના પાયા માં જાણે લૂણો લાગ્યો! આ લડત ની સુગંધ આખા વિશ્વમાં ફેલાઈ ગયી. હિંદુ-મુસ્લિમની એકતા સ્થાપવા અને નિર્ભયતા તેમજ શાંતિનો સંદેશ આપવા તેઓ ત્યાં ગામે-ગામ ઘૂમી વળ્યા. અને આખરે 15 મી ઓગસ્ટ 1947 ના દિવસે આપનો દેશ આઝાદ થયો. ગાંધીજીના અવિરત નિષ્ઠાયુક્ત પ્રયત્ન અને અજોડ નેતૃત્વનું એ હતું મીઠું મધુરું ફળ !

 

તેઓ એક સાચા માનવ હતા અને માનવતાના પુજારી હતા. તેમને મન નાતજાત ના ભેદ ઓગળી ગયેલા હતા. હિંદુ-મુસ્લિમ પ્રત્યે તેઓ સમભાવ રાખતા. તે કોઈકને ગમ્યું નહિ હોય; તેથી ઉશ્કેરાઇને તેણે 1948 ના જાન્યુઆરી ના તેમના બોમ્બ ફેક્યો ! સદભાગ્યે તેઓ બચી ગયા. તેમણે હુમલાખોર ને ક્ષમા આપી, પણ 30 મી જાન્યુઆરી એ તેઓ જયારે સાંજની પ્રાર્થના સભામાં જઈ રહ્યા હતા ત્યારે નથુરામ ગોડસે એ તેમણે ગોળીઓથી વીંધી નાખ્યા ! બે હાથ જોડેલા રાખીને “હે રામ !” બોલીને આપણા રાષ્ટ્રપિતા આ ફાની દુનિયાને અલવિદા કહી ગયા.રામ નારાયણ વી. પાઠકે ગાંધીજીને અંજલી આપતા કહ્યું છે,

 

“સાતમાં પરણામ, ઓલ્યા મહાત્મા ને કહેજો રે,
ઢોરના કીધા જેણે મનેખ.”
ગાંધીજીનું વ્યક્તિત્વ જ અનોખું હતું. ભારતના પ્રત્યેક ક્ષેત્રમાં તેમના વ્યક્તિત્વ ની છાપ ઉપસી છે. તેમણે લખેલી આત્માકથા ‘સત્યના પ્રયોગો’ વિશ્વની ઉતમ આત્માકથા તરીકે પંકાઈ છે; આદર્શ આત્મકથા ગણાઇ છે. ‘સત્યના પ્રયોગો’ ના પાનામાં મહાત્મા ગાંધીજીના જીવનનો વિનમ્રતાથી નીતરતો પરિચય મળે છે. સામાન્ય મનુષ્યમાંથી એક મહામાનવનું પ્રાગટ્ય એટલે મહાત્મા ગાંધીજી ! ગાંધીજી એ પોતાની આત્મકથામાં પોતાના જીવનનું સારી-નરસી પ્રત્યેક વાતોને વણી લીધી છે, તેમાં કંઈ પણ છુપાવ્યું નથી. તે જ તેમની સત્ય પ્રિયતાની સાક્ષી છે. તેમનું આદર્શ જીવન જ એક ઉપદેશ છે. તેમના વિષે ટૂંકમાં કહેવું હોય તો_
gandhiji-and-charkho
“એના મુખમાં જો કે રમતું રામ કેરું નામ છે,
ઓસ્ટ પર એના સદા આદર્શના પૈગામ છે,
રાતના અંધારમાં મળશે જુદા સ્વરૂપમાં,
ઊળું દેખાતું જીવન એનું અનૈતિક ધામ છે.”
ગાંધીજીએ કહ્યું હતું કે, “મારે દુનિયાને નવું કશું શીખવવાનું નથી, સત્ય અને અહિંસા અનાદિ કાલ થી ચાલ્યા આવે છે.” અને છેલ્લે એ પણ કહી દીધું કે “મને વિસરી જાઓ, મારા નામને ના વળગો, તત્વને વળગો, તમારી પ્રત્યેક હિલચાલ તે ગજ થી માપો અને આગળ ઉપર આવનારા દરેક પ્રશ્નો નો નિર્ભય પણે જવાબ આપો.”

 

જવાબ છોડો