CHAR DHAM
‘ધામ’ એટલે ખૂબ જ પવિત્ર સ્થળ. આપણા દેશમાં તીર્થસ્થળો તો અસંખ્ય છે. આમ જુઓ તો સમગ્ર ભારતભૂમિ જ તીર્થભૂમિ છે. ધાર્મિક રીતે ‘ચાર ધામની યાત્રા’ નું ખૂબ જ મહત્વ છે. આ ચાર ધામોની માહિતી આ પ્રમાણે છે.

 

1. બદ્રીનાથ :

badrinath
બદ્રીનાથ ભારતનું સૌથી જુનું તીર્થધામ છે. સતયુગમાં તેની સ્થાપના થઇ હતી. બદ્રીનાથનું મંદિર નારાયણ પર્વતની તળેટીમાં અલકનંદાના જમણા કિનારા પર આવેલું છે. ચંદ્રવંશી ગઢવાલ નરેશે આ વિશાળ મંદિર બંધાવ્યું. મહારાણી અહલ્યાબાઈએ આ મંદિર પર સોનાનું શિખર ચઢાવ્યું હતું, જેણે આજ સુધી પોતાની ચમક છોડી નથી.મંદિરની પાસે પાંચ તીર્થો : ઋષિ ગંગા, કૂર્મધારા, પ્રહલાદ ધારા, તપ્તકુંડ અને નારદકુંડ આવેલા છે. શિયાળામાં આ મંદિરના દ્વાર બંધ રહે છે ને ગરમી શરુ થતા પાછા ખુલી જાય છે. જોશીમઠમાં ઠંડીની ઋતુમાં બદ્રીનાથની ચલાયમાન પ્રતિમા લાવીને સ્થાપવામાં આવે છે અને અહી જ તેની પૂજા – અર્ચના કરવામાં આવે છે. હાલમાં આ ધામ નવગઠિત રાજ્ય ઉત્તરાંચલમાં સ્થિત છે.

 

2. રામેશ્વર :

rameshwar
તમિલનાડુ રાજ્યના રામનાથપુરમ જિલ્લામાં રામેશ્વર નામના એક વિશાળ ટાપુ પર આ પવિત્ર સ્થળ આવેલું છે. ભારતના અત્યંત આદરણીય તીર્થોમાંનું એક છે. ભગવાન શ્રી રામે તેની સ્થાપના કરી હોવાથી રામેશ્વર નામ પડ્યું છે. શિવજીના બાર જ્યોતિર્લીગમાં રામેશ્વર મુખ્ય ગણાય છે.
લંકા પર ચડાઈ કરતા પહેલા ભગવાન શ્રી રામે અહી શિવપૂજા કરીને આશીર્વાદ મેળવ્યા હતા. એવી જ રીતે રાવણનો વધ કર્યા બાદ જગન્માતા સીતાજીને લઈને આવતી વેળા પણ શ્રી રામજીએ ત્યાં પૂજા કરી, બ્રહ્મહત્યા (રાવણ બ્રાહ્મણ હતો) કરવાનું પ્રાયશ્ચિત કર્યું હતું.

 

3. દ્વારિકા :

Dwarka
ચાર ધામ અને સાત નગરીઓમાં શ્રેષ્ઠ એવી દ્વારિકા નગરી ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ પ્રિય રહી છે. આદ્ય શંકરાચાર્યે અહી શારદાપીઠની સ્થાપના કરી અને પોતાના શિષ્ય સુરેશ્વરાચાર્ય ( મંડન મિશ્ર ) ને પીઠાધીશ્વર સ્વરૂપે અધિષ્ઠિત કર્યા. કંસવધ પછી ભગવાન શ્રી કૃષ્ણે મથુરાથી દ્વારિકા પોતાની ગાદી સ્થાપી. શ્રી કૃષ્ણની ભૌતિક લોકલીલા સમાપ્ત થવાની સાથે દ્વારિકા સમુદ્રમાં ડૂબી ગઈ. આજે દ્વારિકા નાનું એવું નગર છે, પણ પોતાનામ એક ગૌરવપૂર્ણ સંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો છુપાવી રાખ્યો છે.

 

4. જગન્નાથપુરી :

jagannathpuri
ઓરિસ્સામાં ગંગાસાગરના કિનારે આવેલું જગન્નાથપુરી પવન તીર્થધામ છે. સ્કંદ અને બ્રહ્મપુરાણ અનુસાર તેની સ્થાપના ઉજ્જયિની નરેશ ઇન્દ્રદ્યુંમ્ને સતયુગમાં કરી હતી. શ્રી કૃષ્ણ, બલરામ, અને સુભદ્રાની મૂર્તિઓ આ મંદિરમાં પ્રતિષ્ઠિત છે. આ તીર્થધામની વિશેષતા એ છે કે અહી કોઈ પણ જાતના જાતિભેદને સ્થાન નથી. આ સંબંધી એક લોકોક્તિ પ્રસિદ્ધ છે.

 

” જગન્નાથ કા ભાત, જગત પસારે હાથ,
પૂછે ના જાત – ભાત “

 

આદ્ય શંકરાચાર્યે અહી યાત્રા કરી ગોવર્ધનપીઠની સ્થાપના કરી હતી. રામાનંદજીના પ્રમુખ શિષ્ય કબીરજીએ અહીંથી જ સમતાનો સંદેશ ફેલાવ્યો હતો. આજે પણ મોટી સંખ્યામાં કબીરપંથીઓ અહી રહે છે.

 

જવાબ છોડો