BHARAT NA 5 SAROVAR
સૃષ્ટિના સર્જનકર્તાની વિવિધતાભરી રચના અનન્ય છે. ક્યાંક રણ તો ક્યાંક મુખત્રિકોણ, ક્યાંક ડુંગરો તો ક્યાંક ભયંકર ઊંડી ખીણો. ખરા પાણીથી ભરપૂર સમુદ્ર તરફ નજર કરતા એમ થાય કે આ દુનિયામાં પાણી જ પાણી છે. ઘણી નદીઓ પર માનવસર્જિત બંધો જોવા મળે છે. આ બંધોમાં પાણીનો સંગ્રહ થાય છે. બંધની સપાટી સુધી પાણી આગળ વહી જતું અટકે છે એટલે કે બંધ થઇ જાય છે. માટે જ કદાચ એનું નામ બંધ પડ્યું હશે.

 

તમને એમ થશે કે આપણે આ બંધ વિષે માહિતી મેળવવાની છે ? ના, એમ નથી. માનવસર્જિત બંધ બાંધવાની જેમાંથી પ્રેરણા મળી છે એવા કુદરતી બંધ એટલે કે સરોવરોની આપણે અહી વાત કરવાની છે. ભારતભૂમિમાં ઘણા સરોવરો આવેલા છે. આમાંથી મુખ્ય પાંચ સરોવરો વિશેની માહિતી જોઈએ.

 

બિન્દુ સરોવર :

bindu-sarovar

બિન્દુ સરોવર બે છે : (૧) ભુવનેશ્વરના મુખ્ય બજારમાં આવેલું (૨) બિન્દુ સરોવર સિદ્ધપુર. દેશની એકાત્મતાની દ્રષ્ટિએ જોઈએ તો પૂર્વ દિશામાં આવેલું ભુવનેશ્વરનું બિન્દુ સરોવર ખુબ મહત્વનું છે. તે એક સુવિસ્તૃત સરોવર છે. મધ્યના વિશાળ મંદિરમાં ભગવાન નારાયણ, શિવપાર્વતી અને ગણેશજીની સુંદર પ્રતિમાઓ છે. સરોવરની ચારેબાજુ સુંદર મંદિરો બન્યા છે. આ સરોવરમાં સમગ્ર તીર્થોનું જળ સિંચવામાં આવ્યું હોવાથી તેને પરમ પવિત્ર માનવામાં આવે છે.

 

ભારતવર્ષમાં પિતૃશ્રાદ્ધ માટે ગયાજી (બિહાર) પ્રસિદ્ધ છે. તેને માતૃગયા પણ કહેવાય છે. તેનું પ્રાચીન નામ શ્રીસ્થલ છે. પવિત્ર સરસ્વતી નદીથી આશરે દોઢ-બે કિલોમીટર દૂર સરોવર છે. લગભગ ૧૨ મીટર લાંબુ આ ચોરસ સરોવર કર્દમ ઋષિ, કપિલ મુનિ, સમુદ્ર મંથન અને ભગવાન પરશુરામની કથાઓ સાથે સંબંધિત છે. સરોવર પાસે ગોવિંદ માધવ મંદિર આવેલું છે. સરોવરમાં સ્નાન કરીને તીર્થયાત્રીઓ માતૃશ્રાદ્ધ કરે છે. દક્ષિણ બાજુએ બનેલા મંદિરમાં મહર્ષિ કર્દમ, દેવહૂતી, મહર્ષિ કપિલની મૂર્તિઓ છે. તે સિવાય રાધાકૃષ્ણ, લક્ષ્મી નારાયણ, સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર, જ્ઞાનવાપી (બાવલી) તથા વલ્લભાચાર્ય મહાપ્રભુની બેઠક અહી આવેલી છે.

 

નારાયણ સરોવર :

narayan-sarovar

કચ્છના રણનું આ અતિ પ્રાચીન તીર્થધામ છે. અહી સ્વચ્છ જળનું પવિત્ર તળાવ છે. ભગવાન નારાયણે ગંગોત્રીમાંથી પવિત્ર જળ લાવીને આ તળાવનું નિર્માણ કર્યું હતું. ખુદ નારાયણ પણ કેટલોક સમય અહી રહ્યા હતા. સરોવર પાસે આદિ નારાયણ, ગોવર્ધન નાથ અને ત્રિકમજીના સુંદર મંદિરો બન્યા છે. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુની બેઠક પણ નારાયણ સરોવર પાસે છે. નારાયણ સરોવરથી આશરે ત્રણ કિલોમીટર દૂર કોટેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર છે. કાર્તિકી પૂનમને દિવસે અહી મોટો મેળો ભરાય છે.

 

માનસરોવર :

mansarovar

હિમાલય પર્વત પાર કરીને તિબેટ (ત્રિવિષ્ટપ) ના ઠંડા ભાગમાં આવેલું માનસરોવર આદિકાળથી માનવને આમંત્રિત કરતુ આવ્યું છે. યુગોથી લોકો તેને પવિત્ર તથા શાંતિદાયક ક્ષેત્ર ગણીને કૈલાસ-માનસરોવરની યાત્રા કરતા આવ્યા છે. અહી બે સરોવર છે. એક રાક્ષસતાલ કહેવાય છે. રાવણે અહી ઊભા રહીને ભગવાન શંકરની આરાધના કરી હતી. બીજું સરોવર માનસરોવર છે. આ સરોવરનું પાણી અત્યંત સ્વચ્છ અને ભૂરું છે. માનસરોવર ઈંડાકાર છે. આ સરોવરમાં હંસો જોવા મળે છે. માનસરોવરનું પાણી વધુ ઠંડુ ન હોઈ તેમાં આનંદથી સ્નાન કરી શકાય છે.

 

પુષ્કર :

pushkar

મહાભારતના વન પર્વમાં ઋષિ પુલત્સ્ય ભીષ્મ સામે અનેક તીર્થોનું વર્ણન કરતી વેળા પુસ્કરને સૌથી વધારે પવિત્ર ગણાવે છે. પુષ્કર તીર્થોમાં શ્રેષ્ઠ છે. વાલ્મીકિ રામાયણમાં પણ પુશ્કારનો મહિમા દર્શાવ્યો છે. સૃષ્ટિના રચયિતા બ્રહ્મા અહી નિરંતર વસે છે. બ્રહ્માએ પુષ્કરની સ્થાપના કરી. અહી એક સરોવર છે. આ પવિત્ર સરોવરમાં સ્નાન કરીને માનવ શાંતિ મેળવે છે. સરોવર પાસે બ્રહ્માજીનું વિશાળ ભવ્ય મંદિર છે. શ્રી બદ્રીનારાયણ મંદિર, વારાહ મંદિર, કપાલેશ્વર મહાદેવ, શ્રીરંગ મંદિર વગેરે અહીના મુખ્ય મંદિરો છે. પુષ્કરને મંદિરોની નગરી કહેવામાં આવે છે.

 

પંપા સરોવર :

papma-sarovar

પંપા સરોવર દક્ષિણ દિશામાં આવેલું છે. ભગવાન શ્રી રામે પોતાના નાના ભાઈ લક્ષ્મણ સાથે આ સરોવરના કિનારે આરામ કર્યો હતો. ભગવાન શ્રી રામના પરમ ભક્ત શબરીબાઈ આ જ સરોવર કિનારે રહેતા હતા. વાલ્મીકિ રામાયણમાં પંપા સરોવરનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. કિષ્કિંધા, ઋષ્યમુક પર્વત, સ્ફટિક શિલા, વગેરે પંપા સરોવરની બાજુમાં આવેલા રામાયણકાલીન ઐતિહાસિક સ્થળો છે. પંપા સરોવરની પાસે પહાડી ઉપર નાના નાના જીર્ણ મંદિરો છે. અહી આવેલી શબરીની ગુફા પાસે એક લક્ષ્મીનારાયણની યુગલમૂર્તિ છે.

 

જવાબ છોડો